અમદાવાદ: છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં 725 નવા કેસ નોંધાયા છે. જેમાં સૌથી વધુ સુરતમાં 254 નવા કેસ નોંધાયા છે. જ્યારે અમદાવાદમાં પણ 177 કેસ નોંધાયા છે. તેવામાં હવે અમદાવાદ શહેરના ન્યુ મણિનગર વિસ્તારના ન્યૂ વૈકુંઠ ફ્લેટમાં કોરોના બોમ્બ ફૂટ્યો હોય તેવું લાગી રહ્યું છે. વૈકુંઠ ફ્લેટમાં રહેતા એક જ પરિવારના 10 લોકોને કોરોના પોઝિટિવ આવ્યો છે. જેને લઈને ખળભળાટ મચી ગયો છે. શનિવારે AMCએ વૈકુંઠ ફ્લેટને માઈક્રો કન્ટેન્ટમેન્ટ જાહેર કર્યો હતો.


અમદાવાદમાં કોરોનાનો કુલ આંકડો 21,892 પર પહોંચ્યો છે. અમદાવાદમાં 101‬ દર્દીઓ સ્વસ્થ થયા છે. જેને લઇને કુલ સ્વસ્થ થયેલા દર્દીઓનો આંકડો 16,610 પર પહોંચ્યો છે. અમદાવાદમાં 9 દર્દીઓનાં મોત થયા છે જેની સાથે અમદાવાદનો કોરોનાથી મૃત્યુઆંક 1484‬ પર પહોંચ્યો છે. હાલ અમદાવાદમાં 3683 એક્ટિવ કેસ છે.

ત્યારે હવે અમદાવાદના ન્યુ મણિનગર વિસ્તારના વડોદરા એક્સપ્રેસ હાઈવે નજીક આવેલા વૈકુંઠ ફ્લેટમાં એક જ પરિવારના 10 સભ્યોને કોરોના પોઝિટિવ આવ્યો છે. ન્યુ વૈકુંઠ ફ્લેટ માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યો છે. તો ફ્લેટને ક્વોરન્ટાઇન કરી ટેસ્ટિંગ પણ હાથ ધરાયું છે. મુલાકાતીઓને સાવચેત રહેવા માટે તંત્ર દ્વારા આ બિલ્ડિંગમાં નોટિસ લગાવવામાં આવી છે.

છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં નવા 725 કેસ નોંધાયા હતા. આ સાથે જ કુલ દર્દીઓનો આંકડો 36,123‬‬ પર‬ પહોંચી ગયો છે. તો 24 કલાકમાં 486 દર્દીઓ સાજા થયાં છે. આમ અત્યાર સુધીમાં કુલ 25,900 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે જેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. રાજ્યમાં કોરોનાને કારણે ગત 24 કલાકમાં 18 લોકોના મોત નિપજ્યાં છે. આમ અત્યાર સુધીમાં 1,945‬ દર્દીઓના સારવાર દરમિયાન મોત નિપજ્યા છે. રાજ્યમાં હાલ કોરોનાના કુલ 8278 એક્ટિવ કેસ છે.