Ahmedabad News: અમદાવાદમાં અસલી કોણ અને નકલી કોણ તે મામલે ભૂવાઓ વચ્ચે બબાલ થઈ હતી. એક ભૂવાએ અન્ય શખ્સો સાથે મળી અન્ય ભૂવાનું અપહરણ કર્યું હતું. જે બાદ જટા કાપી વીડિયો બનાવ્યો હતો. રાહુલ ઠાકોરનું બંદૂકની અણીએ અપહરણ કરી ધમકી આપી મંદિરમાં લઈ જવાયા હતા. બે શખ્સો પોલીસની ઓળખ આપી ઘરમાં ઘૂસ્યા હતા અને ઉઠાવીને લઈ ગયા હતા. જટા કાપેલો વીડિયો વાયરલ ન કરવા લાખો રૂપિયા માંગ્યા હતા. આ અંગે રાહુલે કીર્તિદાન, દિનેશ ભુવાજી, અનિલ ભુવાજી, ચેતન પંચાલ, હકુભા, યોગેશ સામે નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
પોલીસ ફરિયાદ કરીશ તો પણ અમારું કંઈ બગાડી નહીં શકે
અસલી કોણ અને નકલી કોણ તે મામલે ભૂવાઓ વચ્ચે તકરાર થઇ હતી. પોતાને ભૂવા તરીકે ઓળખાવતા કેટલાક શખ્સોએ અન્ય ભૂવાનું અપહરણ કરી માર મારી તેની લાંબી જટા કાપી નાખી હતી. વળી, આ સમગ્ર બાબતનો વીડિયો પણ વાયરલ કર્યો હતો. હુમલાખોરો પોલીસ ફરિયાદ કરીશ તો અમારું કંઇ બગાડી નહીં શકે કહી ધમકી આપી હતી. જેની જટા કપાઇ તે યુવકે નરોડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
નરોડામાં રાહુલ રમેશભાઇ ઠાકોર પરિવાર સાથે રહે છે. તા. 28મીએ રાહુલ ઘરે હાજર હતો ત્યારે રાજકોટનો કીર્તિદાન દેઠા અને અન્ય બે વ્યક્તિ પોલીસ તરીકે ઓળખ આપી ઘરમાં ઘૂસી આવ્યા હતા. તમામે રાહુલનું બંદૂકની અણીએ અપહરણ કર્યું હતું અને નિકોલ મંદિર લઇ ગયા હતા. જ્યાં દિનેશ ભૂવાજી, અનિલ ભૂવાજી, ચેતન પંચાલ, હકુભા, યોગેશ સહિત 15 જેટલા લોકો હાજર હતા. કીર્તિદાન સહિતના લોકોએ ભૂવાના નામે પૈસા લે છે તેમ કહી માર માર્યો હતો અને જબરજસ્તીથી વીડિયોગ્રાફી કરાવી લીધી હતી. ઉપરાંત રાહુલની લાંબી જટા કાપી હતી અને તેનો પણ એક વીડિયો ઉતાર્યો હતો. તમામે જણાવ્યું હતું કે, તારા ઘર પાસે લઇ જઇ તારો વીડિયો બધાને બતાવવાનો છે તેથી બીજાને પણ ખબર પડે. ઉપરાંત એવી પણ ધમકી આપી હતી કે, પોલીસ કેસ કર્યો છે તો તમને ઘરે આવીને મારા માણસો મારી નાખશે. પોલીસને તો હું મારા ખિસ્સામાં લઇને ફરું છું મારું કોઇ કશું જ બગાડી લેશે નહીં.પછી કીર્તિદાને જણાવ્યું હતું કે, હું તારો બનાવેલો વીડિયો ક્યાંય નહીં મૂકું તો તારે 9 લાખ આપવા પડશે. પૈસા નહીં આપે તો સોશિયલ મીડિયામાં વીડિયો મૂકી દઇશ. રાહુલે જણાવ્યું હતું કે, હું ખોટું કામ કરતો નથી અને મારી પાસે પૈસા પણ નથી. જેથી તમામે ફરી તેને માર્યો હતો. ત્યારબાદ રાહુલને ગાડીમાં લઇ તેના ઘરે આવ્યા હતા. જ્યાં પત્ની તેને જોઇ જતા ત્યાં પણ તેની સાથે ઝઘડો કરી ઝપાઝપી કરી હતી. આ મામલે રાહુલે કીર્તિદાન, દિનેશ ભૂવાજી, અનિલ ભૂવાજી, ચેતન પંચાલ, હકુભા, યોગેશ સહિતના લોકો સામે ફરિયાદ કરતા પોલીસે તપાસ શરૂ કરી છે.