અમદાવાદમાં કોરોનાના વધતા સંક્રમણની સાથે સિવિલ સહિત ખાનગી હોસ્પિટલોમાં બેડ પણ હાઉસફુલ થઈ રહ્યાં છે. ત્યારે અમદાવાદની તમામ ખાનગી હોસ્પિટલોમાં 382 બેડ ખાલી છે. અમદાવાદની તમામ ખાનગી હોસ્પિટલોમાં કુલ નવ હજાર 388 પૈકી 382 બેડ ખાલી છે. જેમાં એક વેંટીલેટર અને છ આઈસીયુ બેડ ખાલી છે. અસારવા સિવિલ અને સોલા સિવિલ સહિત છ સિવિલ હોસ્પિટલ, એસવીપી, વીએસ, એલજી, શારદાબેન હોસ્પિટલ, ખાનગી હોસ્પિટલો, નર્સિંગ હોમ અને ઈએસઆઈસી હોસ્પિટલ શહેરની કોવિડ હોસ્પિટલોમાં 382 ક્રિટિકલ બેડ ખાલી છે.
અમદાવાદ શહેરની અલગ અલગ હોસ્પિટલોની વાત કરીએ તો એસવીપી હોસ્પિટલમાં કુલ 468 બેડ પૈકી તમામ બેડ ભરેલા છે. જ્યારે વીએસ હોસ્પિટલના કુલ 129 પૈકી તમામ બેડ ફુલ છે. એલજી હોસ્પિટલના કુલ 240 પૈકી આઠ બેડ ખાલી છે. તો શારદાબેન હોસ્પિટલના તમામ 138 બેડ ફુલ છે. અમદાવાદ શહેરની 170 ખાનગી હોસ્પિટલના કુલ ચાર હજાર 756 પૈકી 243 બેડ બેડ ભરેલા છે. તો 187 નર્સિંગ હોમના એક હજાર 114 બેડ પૈકી 72 બેડ ભરેલા છે. અમદાવાદની છ સિવિલ હોસ્પિટલના કુલ બે હજાર 497 પૈકી 59 બેડ ભરેલા છે. તો ઈએસઆઈસીના તમામ 46 બેડ પર દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.
અમદાવાદમાં કોરોના સંક્રમણ સતત બેકાબૂ બની રહ્યું છે. ગુરૂવારના શહેરમાં કોરોનાના 5258 કેસ નોંધાયા છે. વધતા કેસ વચ્ચે માઈક્રો કંટેઈનમેંટ ઝોનની સંખ્યામાં પણ વધારો થયો છે. ગુરૂવારના શહેરમાં નવા 11 વિસ્તારનો માઈક્રો કંટેઈનમેંટ ઝોનનો સમાવેશ થયો છે. ઘાટલોડિયાની રન્ના પાર્ક અને શાયોના પાર્ક નામની બે સોસાયટીમાં જ કુલ 900 લોકોને કોરેન્ટાઈન કરાયા છે. જ્યારે 33ને દૂર કરાતા હવે શહેરમાં 276 માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન અમલી બન્યા છે.
શહેરમાં ઈસનપુર, ઘોડાસર મણિનગર, વાડજ, પાલડી અને ઘાટલોડિયામાં 11 વિસ્તારોને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં સમાવવામાં આવ્યા છે. જ્યારે ઈસનપુર, વટવા, જોધપુર, પાલડી, નવરંગપુરા, ન્યુ રાણીપ, નિકોલ, વસ્ત્રાલ, ઓઢવ, ગોતા, ચાંદલોડિયા, થલતેજ અને ચાંદલોડિયાના 33 વિસ્તારોને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાંથી દૂર કરાયા છે.નવા માઈક્રો કન્ટેનમેન્ટ વિસ્તારો સહિત શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશનનું હેલ્થ ડિપાર્ટમેન્ટ આજથી સઘન અને ઘનિષ્ઠ ડોર ટુ ડોર સર્વેલન્સ અને સ્કિનિંગની કામગીરી હાથ ધરશે. સર્વે દરમિયાન ધ્યાને આવેલા કોરોનાના લક્ષણ ધરાવતા શંકાસ્પદ વ્યક્તિઓના સેમ્પલ લેવાશે.