અમદાવાદઃ કોરોના કાળના આ વર્ષમાં મગફળીનો સારો પાક થયો હોવા છતાં સિંગતેલના ભાવમાં ભડકો જોવા મળી રહ્યો છે. એક બાજુ માર્કેટ યાર્ડોમાં મગફળીની મબલખ આવક થઈ રહી છે તો બીજી બાજુ સિંગતેલના ભાવ આસમાને પહોંચ્યા છે. હાલમાં સિંગતેલના એક ડબ્બાનો ભાવ 2330 રૂપિયા સુધી પહોંચી ગયો છે. તેલના વધતા ભાવને કારણે ગૃહિણીઓનું બજેટ ખોરવાઇ ગયું છે.

સૌરાષ્ટ્રમાં ચાલુ વર્ષે 28 લાખ ટન જેટલો મગફળીનો પાક ઉતરવાનો અંદાજ છે. પાક વધવાની સામે ભાવ ઘટવા જોઈએ પરંતુ તેનાથી વિરૂદ્ધ ભાવ આસમાને પહોંચી ગયા છે. સામાન્ય માણસ મોંઘવારીમાં પીસાઈ રહ્યો છે તેમ છતાં સરકારે સિંગતેલના વધતા ભાવને કાબુમાં લેવા માટે કોઈ જ પગલા લીધા નથી.

નોંધનીય છે કે, થોડા દિવસ પહેલા સિંગતેલના ભાવમાં ભડકો થયો ત્યારે ચીન દ્વારા સિંગતેલની ખરીદીનું કારણ આપવામાં આવ્યું હતું. દિવાળી બાદ ડબ્બે 40થી 50 રૂપિયાનો વધારો થયે છે.

હાલમાં સૌરાષ્ટ્રમાં સિંગતેલના નવા ટીનના ડબ્બાનો ભાવ 2330 રૂપિયા સુધી પહોંચી ગયો છે. જ્યારે ગુજરાતના અન્ય વિસ્તારોમાં ભાવ 2400ને વટાવી ગયા છે. ખેડૂતોને પાકના સારા ભાવ મળી રહે અને વપરાશકારને વ્યાજબી ભાવે તેલ મળી રહે તેવી નીતિ હોવી જોઈએ. ભૂતકાળમાં એવું બન્યું છે કે સરકાર ભાવ નક્કી કરતી હતી પરંતુ હવે તેલના ભાવમાં વધારો થવા પર સરકાર આવા કોઈ પગલા લેતી નથી.