ગાંધીનગર: ધોલેરા ખાતે આવેલ “સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજિયન” (SIR) માં ભારતના સૌથી મોટા “ગ્રીનફિલ્ડ ઇન્ડસ્ટ્રીયલ સ્માર્ટ સિટી”નું નિર્માણ થઇ રહ્યું છે.ધોલેરા સ્માર્ટ સિટી ખાતે વિવિધ ઇન્ડસ્ટ્રીઝ તેમજ તેના કર્મચારીઓ માટે સર્વગ્રાહી જીવનશૈલીના વિકાસ માટે રહેણાંક, વ્યાપાર, મનોરંજન તથા અન્ય હેતુસર ૯૨૦ ચો.કિમી. જેટલી જમીન ફાળવવામાં આવી છે. આ પ્રોજેકટના પ્રારંભિક તબક્કે ૨૨.૫૪ ચો.કિમી. વિસ્તારનો વિકાસ કરવામાં આવ્યો છે, જેમાં વિશ્વ કક્ષાના પ્લગ એન્ડ પ્લે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, પીવાલાયક પાણી, ૨૪ કલાક અવિરત વીજ પુરવઠો, CETP, STP, ICT, નેચરલ ગેસ વગેરે જેવી યુટિલિટી સેવાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. ધોલેરા સ્માર્ટ સિટીમાં સેમિકન્ડકટર અને સંલગ્ન આનુષંગિક સેવાઓ, ઇલેક્ટ્રોનિક્સ, રીન્યુએબલ એનર્જી, ઓટોમોબાઇલ, ઇવી, એરોસ્પેસ, ડિફેન્સ, આઇ.ટી. જેવા મહત્વપૂર્ણ ક્ષેત્રોની કંપનીઓની સ્થાપના થશે.
ગુજરાત સરકારે ખાસ ઇન્વેસ્ટમેન્ટ રિજિયન અને ઇન્ડસ્ટ્રીયલ ઝોનના આયોજન, વિકાસ અને સંચાલન માટે વર્ષ ૨૦૦૯ માં "ધ ગુજરાત સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજિયન (GSIR) એકટ ૨૦૦૯" જાહેર કર્યો હતો. તે અંતર્ગત ગુજરાતનાં ધોલેરાને દિલ્હી-મુંબઈ ઈન્ડસ્ટ્રીયલ કોરિડોરના ભાગરૂપે "સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજિયન" (SIR) તરીકે જાહેર કરવામાં આવ્યું હતું. ત્યારબાદ રાજ્ય સરકાર દ્વારા આ સ્થળના વિકાસ માટે ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજનલ ડેવલપમેન્ટ ઓથોરિટી (DSIRDA)ની રચના કરવામાં આવી છે. ધોલેરા સ્માર્ટ સિટી ખાતે ઈન્ફ્રાસ્ટ્રક્ચર, રોડ અને યુટિલિટી નેટવર્ક, પાણી, વીજળી, ICT, ગેસ, સ્ટોર્મ વોટર, વેસ્ટ વોટર માટેની માળખાગત વ્યવસ્થા, ૧૫૦ MLD ની ક્ષમતા સાથે વોટર ટ્રીટમેન્ટ એન્ડ સપ્લાય સિસ્ટમ, ૬૦ MLD ની ક્ષમતાવાળા ઔદ્યોગિક એકમો માટે કોમન એફ્લુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને કલેક્શન સિસ્ટમ, ૩૦ MLD ની ક્ષમતા સાથે સુએજ કલેક્શન એન્ડ ટ્રીટમેન્ટ સિસ્ટમ ઇન્સ્ટોલ કરવામાં આવી છે. અહી વહીવટી કચેરીઓ, બેન્ક્વેટ હોલ, મીટિંગ રૂમ, કંમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર, બેંક, કાફેટેરિયા જેવી વિવિધ સુવિધાઓ પણ તૈયાર કરવામાં આવી છે.
ધોલેરા ખાતે નિર્માણ થનાર કંપનીઓમાં તૈયાર થયેલ માલસામાનના પરિવહન તેમજ દેશ અને દુનિયાના વિવિધ સ્થળોએ સરળતાથી પહોંચી શકાય તે માટે અમદાવાદ અને ધોલેરા વચ્ચે નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (NHAI) દ્વારા ૧૧૦ કિ.મી. લાંબો એકસેસ કંટ્રોલ્ડ ગ્રીનફિલ્ડ ફોર લેન એકસપ્રેસ વે નિર્માણ પામી રહ્યો છે. આ એક્સપ્રેસવે તૈયાર થવાથી અમદાવાદ અને ધોલેરા વચ્ચેનો મુસાફરીનો સમય ૫૦ ટકા જેટલો ઘટશે. અહી ઝડપી કનેક્ટિવિટી માટે ગ્રીનફિલ્ડ ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટ વિકસાવવામાં આવી રહ્યું છે. અમદાવાદ-બોટાદ બ્રોડગેજ લાઇન પર ભીમનાથના હાલના સ્ટેશનથી ૨૪.૪ કિમીની ગ્રીનફિલ્ડ ફ્રેઈટ રેલ લાઇન પશ્ચિમ રેલવે દ્વારા વિકસાવવામાં આવશે, જે કંપનીઓની લોજિસ્ટિકની સુવિધા માટે ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજન (DSIR) ને જોડશે. આ રેલ્વે લાઈનને સાણંદ નજીક ડેડીકેટેડ ફ્રેઈટ કોરિડોર (DFC) સાથે પણ જોડવામાં આવશે. વધુમાં પશ્ચિમ રેલવે દ્વારા સેમી હાઇ-સ્પીડ રેલ લાઇન પણ વિકસાવવા આવશે.
આ પણ વાંચો...