Gujarat Rain Forecast: ગુજરાતમાં હજુ પણ વરસાદની શક્યતા છે. હવામાન વિભાગે આજે રાજ્યના 33માંથી પૈકી 22 જિલ્લાના છુટાછવાયા સ્થળો પર ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદ વરસી શકે છે.
સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી અને સુરેન્દ્રનગરની સાથે પોરબંદરમાં હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે. તો રાજકોટ, બોટાદ, જામનગર, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ જિલ્લામાં પણ વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે.
મધ્ય ગુજરાતના ચાર જિલ્લાના છુટાછવાયા સ્થળો પર આજે હળવા વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. વડોદરા, પંચમહાલ, દાહોદ અને છોટા ઉદેપુરમાં વરસાદ વરસી શકે છે. દક્ષિણ ગુજરાતના સાત જિલ્લાના કેટલાક સ્થળો પર આજે નુકસાનીનો વરસાદ વરસી શકે છે. ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.
સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીના કેટલાક વિસ્તારોમાં આજે હવામાન વિભાગે વરસાદની આગાહી વ્યક્ત કરી છે. તો પ્રવાસન સ્થળ દીવમાં પણ ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે.
ભરૂચ શહેરમાં ભારે ઉકળાટ બાદ મોડી રાત્રે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો. અલગ અલગ વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસતા રોડ-રસ્તા પાણી પાણી થયા છે. જો પાછોતરો વરસાદ વધતા ખેડૂતોની ચિંતા વધી છે.
ભાવનગર શહેરમાં ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો. મોડી રાત્રે અચાનકથી ભારે પવનની સાથે વરસાદ વરસતા ભાવનગર શહેરના રોડ-રસ્તા થયા પાણી પાણી થઇ ગયા હતા.
તો બીજી તરફ ધીમીધારે વરસતા વરસાદની વચ્ચે નવસારીના બ્રાહ્મણવાડી વિસ્તારમાં વીજપોલમાં શોર્ટ સર્કિટ થયું હતું જેના કારણે વીજપોલમાંથી આગના તણખલા ઝરતા હતા, જેના કારણએ ભયનો માહોલ સર્જાયો હતો. સ્થિતિને જોતા તાબડતોબ સ્થાનિકોએ વાહનો ખસેડ્યા હતા. આ સમયે દોડધામ મચી ગઇ હતી.
ચોમાસાની સિઝનમાં રાજ્યના જળાશયો કેટલા ઓવરફ્લો થયા તેની વાત કરીએ તો રાજ્યના 207 પૈકી 139 જળાશયો ઓવરફ્લો થયા છે કચ્છ-સૌરાષ્ટ્રના 106 ડેમ, તો મધ્ય ગુજરાતના 15 ડેમ છલોછલ ભરાઇ ચૂક્યા છે જ્યારે દક્ષિણ ગુજરાતના 12 અને ઉત્તર ગુજરાતના છ ડેમ સંપૂર્ણ ભરાયેલા છે.હાઈએલર્ટ,એલર્ટ અને વોર્નિંગ પર રાજ્યના 185 જળાશયો.. 90 ટકાથી વધુ ભરાયેલા 163 ડેમ હાઈએલર્ટ, જ્યારે 80થી 90 ટકા ભરાયેલા 10 ડેમ એલર્ટ પર છે. તો 70થી 80 ટકા ભરાયેલા 12 ડેમ વોર્નિંગ પર છે.