અમદાવાદઃ અમદાવાદ ISROના પૂર્વ ડિરેક્ટર અને મોટા વૈજ્ઞાનિક તપન મિશ્રાએ દાવો કર્યો છે કે, 2017માં તેમને ઝેર આપવામાં આવ્યું હતું. તેમણે આ દાવો પોતાની ફેસબુક પોસ્ટમાં કર્યો છે. જેમાં જણાવ્યું કે, 23 મે 2017ના ઈસરો હેડ ક્વાર્ટરમાં ઈન્ટરવ્યૂ દરમિયાન મને ખતરનાક આર્સેનિક ટ્રાઇઓક્સાઇડ આપવામાં આવ્યું હતું. આ અંગે ભારત સરકાર તપાસ કરે તેવી ઈચ્છા વ્યક્ત પણ કરી હતી.


અમદાવાદ સ્થિત સ્પેસ એપ્લીકેશન સેન્ટરના પૂર્વ ડિરેકટર તપન મિશ્રાએ તેમની ફેસબુક પોસ્ટમાં લખ્યું કે, આ ઝેર તેમને બેંગલુરુમાં પ્રમોશન ઈન્ટરવ્યૂ સમયે આપવામાં આવેલા નાસ્તામાં મેળવીને આપવામાં આવ્યું હતું. તે બાદ મારે સતત બે વર્ષ સારવાર કરાવવી પડી તેથી કોઈને આ વિશે જાણ કરી નહી. હું ભાગ્યશાળી છું કારણ કે આ ઝેર લીધાં બાદ કોઈ નથી બચતું. હું જાન્યુઆરીમાં નિવૃત્ત થઈ રહ્યો છું અને ઈચ્છું છું કે લોકોને આ વિશે જાણ થાય જેથી હું મરી જાઉં તો સૌને જાણ હોય કે મારી સાથે શું-શું થયું હતું.

તપના મિશ્રાએ ફેસબુક પર લખ્યું છે કે, ઈસરોમાં અમને મોટા વૈજ્ઞાનિકોના સંદિગ્ધ મોતની ખબર મળતી રહે છે. વર્ષ 1971માં પ્રોફેસર વિક્રમ સારાભાઈનું મોત સંદિગ્ધ હતું. તે બાદ 1999માં VSSCના ડિરેક્ટર ડૉ. એસ. શ્રીનિવાસનનું મોત પર પણ સવાલ ઊભા થયા હતા. એટલું જ નહી 1994માં શ્રી નાંબીનારાયણનો કેસ પણ સૌની સામે આવ્યો હતો. પરંતુ મને નથી ખબર કે એક દિવસ હું પણ આ રહસ્યનો હિસ્સો બનીશ.



તેમણે લખ્યું, 23 મે 2017માં તેમને જીવલેણ આર્સેનિક ટ્રાઈઓક્સાઈડ આપવામાં આવ્યું હતું. તે બાદથી તેઓ છેલ્લા બે વર્ષથી સતત ખરાબ સ્થિતિમાં છે. ઈન્ટરવ્યૂ બાદ તેઓ મોટી મુશ્કેલ સ્થિતિ બેંગલુરુથી અમદાવાદ પરત આવ્યા હતા.



તેમણે પોતાની સારવાર ઝાયડસ કેડિલા અમદાવાદ, ટાટા મેમોરિયલ હોસ્પિટલ મુંબઈ અને એમ્સ દિલ્હીમાં કરાવી. આ સારવારમાં તેમને લગભગ બે વર્ષનો સમય લાગ્યો. તેમણે પોતાના આ દાવાના પુરાવા તરીકે તપાસ રિપોર્ટ, એમ્સની રિસિપ્ટ અને પોતાના હાથ-પગના કેટલાંક ફોટો શેર કર્યાં છે.