અમદાવાદઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની ગમે ત્યારે જાહેરાત થઈ શકે છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ભાજપ, કોંગ્રેસે તૈયારી પણ શરૂ કરી દીધી છે. કેજરીવાલની આમ આદમી પાર્ટીએ પણ રાજ્યમાં જોરશોરથી પ્રચાર શરૂ કરી દીધો છે.  આ દરમિયાન અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી એઆઈએમઆઈએમએ મંગળવારે ગુજરાત પ્રમુખની જાહેરાત કરી છે. ઓવૈસીએ ગુજરાતના ભૂતપૂર્વ ધારાસભ્ય સાબિર કાબલીવાલાને AIMIMના પ્રદેશ પ્રમુખ નિમ્યા છે. ઔવેસીએ ટ્વીટ કરીને આ જાહેરાત કરી હતી અને કાબલીવાલાને અભિનંદન આપ્યા હતા. ઓવૈસીએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે, AIMIM ગુજરાતની પ્રજા માટે એક વિશ્વાસપાત્ર રાજકીય વિકલ્પ બનશે.


કાબલીવાલા 2007માં કોંગ્રેસના ઉમેદવાર તરીકે જમાલપુર વિધાનસભા બેઠક પરથી જીત્યા હતા. છીપા સમાજના અગ્રણી કાબલીવાલાને કોંગ્રેસ ટિકિટ ના આપતાં  2012માં અપક્ષ તરીકે ઝંપલાવ્યું હતું પણ હારી ગયા હતા. જો કે કાબલીવાલાએ 30 હજાર કરતાં વધારે મત મેળવીને કોંગ્રેસના ઉમેદવારને હરાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

કાબલીવાલાનો છીપા સમાજ પર ભારે પ્રભાવ છે. જમાલપુર ખાડિયા વિસ્તારમાં છીપા સમાજની મોટી વસતી છે. મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં કોંગ્રેસ મુસ્લિમ બહુમતી ધરાવતા વિસ્તારોમાં જીતે છે પણ કાબલીવાલાના કારણે કોંગ્રેસની જીત અઘરી બનશે તેથી કોંગ્રેસમાં ફફડાટ છે.

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે અને આવતા અઠવાડિયે તેની જાહેરાત થવાની શક્યતા છે. ગુજરાતમાં અસદુદ્દીન ઓવૈસીની AIMIM પાર્ટી સ્થાનિક સ્વરાજની ચૂંટણી લડી રહી છે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તૈયારીઓ કરવા માટે AIMIM પાર્ટીના પ્રતિનિધિઓ હાલમાં જ બે દિવસીય મુલાકાત માટે અમદાવાદ આવ્યા હતા.