Amit Shah Holi: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે અમદાવાદની મુલાકાતે પહોંચ્યા હતા, આજે હોળીના પવિત્ર તહેવારને તેઓએ ભાજપના કાર્યાલય પર પાર્ટીના નેતાઓ અને કાર્યકરો સાથે મનાવ્યો હતો. અમિત શાહે આજે અમદાવાદમાં ધૂળેટીની શાનદાર રીતે ઉજવણી કરી હતી, તેમને તિલક હોળી રમી હતી. આ પ્રસંગે તેમને ભગવાન રામને પણ યાદ કર્યા હતા.
આજે સવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દિલ્હીથી ગુજરાત પહોંચ્યા હતા, અમદાવાદ પહોંચેલા અમિત શાહે હોળી-ધૂળેટીના તહેવારને પોતાના હૉમ ટાઉનમાં જ મનાવ્યો હતો. આજે અમદાવાદના ભાજપ કાર્યાલય ખાતે અમિત શાહે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે હોળી રમી હતી, અન્ય કાર્યકર્તાઓ સાથે તિલક હોળી રમી હતી. હોળીની ઉજવણી દરમિયાન તેમને ભગવાન રામને યાદ કર્યા હતા. તેમને કહ્યું કે, સમગ્ર દેશ હોળીના તહેવારને ઉજવી રહ્યો છે. દેશવાસીઓને હોળીની શુભકામના. દેશ-દુનિયાના રામભક્તો માટે હોળી વિશેષ છે, 500 વર્ષ બાદ આજે અવધમાં રઘુવીર હોળી રમી રહ્યાં છે.
ભાજપના કાર્યક્રમમાં કૂખ્યાત બુટલેગરનું ફૂલ આપી સન્માન અને હારતોરા
છોટાઉદેપુરમાં ભાજપના કાર્યક્રમમાં બુટલેગરને ખેસ પહેરાવવાને લઇને વિવાદ વકર્યો છે. છોટાઉદેપુરમાં પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધન ઝડફિયાએ બુટલેગરને ભાજપનો ખેસ પહેરાવ્યો હતો. જે કાર્યક્રમમાં કોંગ્રેસના 200 કાર્યકરો ભાજપમાં જોડાયા હતા. મધ્યઝોનના પ્રભારી ગોરધન ઝડફિયા, સાંસદ ગીતાબેન રાઠવા હાજર હતા.
કૂખ્યાત બુટલેગર પીન્ટુ જયસ્વાલ ન માત્ર ભાજપના મંચ પર બેઠો પરંતુ ગોરધન ઝડફિયાએ ફૂલ આપીને સન્માન પણ કર્યું. છોટાઉદેપુરમાં ભાજપના ભરતી મેળામાં બનેલી આ ઘટનાને લઈ વિવાદ છેડાયો છે. વાત એવી છે કે, મૂળ મધ્ય પ્રદેશના કૂખ્યાત બૂટલેગર પીન્ટુ જયસ્વાલે પોતાની જમીન ભાજપને વેચી છે. ભાજપે આ જમીન પર પોતાનું કાર્યાલય બનાવ્યું છે. ગઈકાલે છોટાઉદેપુરમાં ભાજપમાં ભરતી મેળાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં બુટલેગર પીન્ટૂ જયસ્વાલ પહોંચ્યો હતો.
અહીં ગોરધન ઝડફિયાએ જમીન વેચવા બદલ પીન્ટુનો આભાર માન્યો હતો. આ ઘટનાને લઈ કૉંગ્રેસે સવાલ ઉઠાવ્યા છે. કૉંગ્રેસે કહ્યું કે, જે શખ્સ પર ગુજરાતમાં દારૂના 8 કેસ નોંધાઈ ચૂકયા છે. તેના પર પોલીસે સકંજો કસ્યા બાદ જો તે બુટલેગર પોતાની જમીન ભાજપને કાર્યાલય બનાવવા માટે વેચે તો આ ઘટના શંકા ઉપજાવે છે. જવાબમાં છોટાઉદેપુર ભાજપના પ્રભારી રમેશભાઈ ઉકાણીએ લૂલો બચાવ કર્યો કે, બુટલેગર પીન્ટુ જયસ્વાલ અજાણતા મંચ પર આવી ગયો હતો. છોટાઉદેપુરના પ્રભારી રમેશ ઉકાણીની સ્પષ્ટતા સામે આવી છે. તેમણે કહ્યું, અજાણતા મંચ પર બુટલેગર આવી ગયો હતો. કાર્યકમ પત્યા પછી આવ્યો હતો અને પાર્ટી સાથે કોઈ લેવા દેવા નથી.