અમદાવાદ: ગુજરાતમાં 58 વર્ષ બાદ કોંગ્રેસની વર્કિંગ કમિટીની બેઠક મળી રહી છે ત્યારે કોંગ્રેસના મોટા ભાગના નેતાઓ સોમવારે રાતે અમદાવાદ આવી પહોંચ્યા હતા. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી 12મી માર્ચ-દાંડીયાત્રાના દિવસે અમદાવાદ નજીકના અડાલજના ત્રિ-મંદિર ખાતેથી જનસંકલ્પ રેલી દ્વારા સત્તાવાર રીતે લોકસભાની ચૂંટણી પ્રચારનું બ્યૂગલ ફૂંકશે.



કોંગ્રેસની આ સભામાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, યુપીએના ચેરપર્સન સોનિયા ગાંધી, પૂર્વ વડાપ્રધાન ડો. મનમોહનસિંહ અને કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી સહિતના ટોચના નેતાઓ સાથે રાષ્ટ્રીય સ્તરના અનેક નેતાઓ હાજર રહેવાના હોવાથી આ સભા ઐતિહાસિક બની રહેશે. આટલો જાજરમાન કાર્યક્રમ જ્યારે ગુજરાતમાં થઈ રહ્યો હોય ત્યારે જમણ પણ એકદમ ગુજરાતી છે.



રાહુલ અને કોંગ્રસની વર્કિંગ સમિતિ માટે ગુજરાતી ભોજનની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. ભોજનમાં ગુજરાતી પરંપરાગત વાનગીઓ રહેશે જેમ કે ઉધીંયુ, જલેબી, કચોરી, દાળ, ભાત, ફુલકા રોટી, બટાટાનું શાક, ઢોકળા, બાજરીના રોટલા, અથાણું અને ચટણી રાખવામાં આવ્યું છે તેવું સુત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે.