અમદાવાદ: અમદાવાદના હેલ્મેટ સર્કલ પાસે આવેલા રૂદ્ર આર્કેડમાં ઈન્ડિયન બેંકના એટીએમ તથા બીએનએમ (બંચ નોટ એક્સેપ્ટર મશીન)માં રવિવારે સવારે 8 વાગ્યે શોર્ટ સર્કિટથી આગ લાગી હતી. જેમાં લાખો રૂપિયા બળીને ખાખ થઈ ગઈ હતી. જ્યારે 7 દુકાનો આગની ઝપેટમાં આ‌વી ગઈ હતી. જોકે કોઈ જાનહાનિ થઈ નહોતી. એટીએમ સેન્ટરની ઉપરના માળે આવેલી હોસ્પિટલના દર્દીઓને પહેલાં જ બાજુની બિલ્ડિંગમાં ખસેડી લેવાયા હતા.



આ ઘટનામાં એટીએમ, બીએનએમ મશીન બળી ગયાં હતાં. શનિવાર રાતે 7 વાગ્યા સુધી એટીએમમાં લાખો રૂપિયાનું બેલેન્સ હતું. આ ઘટનામાં તમામ રૂપિયા બળીને ખાખ થઈ ગયા હોવાનું સુત્રો દ્વારા જાણવા મળ્યું હતું. આગની ઝપેટમાં વાસુ પૂજન ડેન્ટલ ક્લિનિક સહિતની 7 દુકાનને નુકસાન થયું છે. ફાયરના 25 જવાનોએ 7 ગાડીની મદદથી 2 કલાકે આગ પર કાબૂ મેળવ્યો હતો.



4 માળની આ કાચની બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર લાગેલી આગને લીધે કાચ તૂટીને નીચે પડી રહ્યા હતા, જેની વચ્ચે ફાયરબ્રિગેડે આગ ફેલાવવા ન દઈ તેના પર કાબૂ મેળવી મોટી જાનહાનિ ટાળી હતી. બિલ્ડિંગના ઉપરના માળે આવેલી હોસ્પિટલના દર્દીઓને ફાયર આવે તે પહેલાં જ સલામત સ્થળે ખસેડી દેવાતા મોટી જાનહાનિ ટળી હતી.