સુરતઃ શહેરના ભટાર ચાર રસ્તા પર ગઈ કાલે સોમવારે રાત્રે ગંભીર અકસ્માત સર્જાયો હતો. બેફામ બનેલી મર્સિડીઝ કારે રિક્ષા, બાઇક, કાર, મોપેડ અને સાઇકલને અડફેટે લેતા અફરાતફરી મચી ગઇ હતી. કારચાલકે પાંચ વાહનોને ઉડાવી દીધા બાદ રોડ પરના પોલ સાથે કારને અથડાવી દીધી હતી. તેમજ અકસ્માત પછી કાર ત્યાં જ મુકી પલાયન થઇ ગયો હતો. અકસ્માતમાં ત્રણને ઇજા થઇ હતી, જે પૈકી સાઇકલ ચાલકનું કરૂણ મોત થયું હતું.

આ અંગેની વિગતો એવી છે કે, સોમવારે રાત્રે ભટાર ચાર રસ્તા પર મર્સિડીઝ કારના ચાલકે 5 વાહનોને અડફેટે લીધા હતા, જેમાં એક સાઇકલસવારનું ઘટનાસ્થળે મોત થયું હતું, જયારે મોપેડ, કાર અને રિક્ષાવાળાને ગંભીર ઈજા થતાં સિવિલમાં ખસેડાયા છે. જ્યારે કાર મૂકી ભાગેલો ચાલક દારૂના નશામાં હોવાની આશંકા છે. કારનો ચાલક તેના માલિકને એરપોર્ટ લેવા નીકળ્યો હતો, એ સમયે અકસ્માત થયો હોવાનું જાણવા મળ્યું છે.

સોમવારે રાત્રે મર્સિડીઝ કારના ચાલકે ઉધના મગદલ્લા રોડ પર પહેલા દંપતીને અડફેટે લીધા હતા. જોકે, ત્યાંથી કાર ભગાડવા જતાં અણુવ્રત દ્વાર પાસે એક કારને ટક્કર મારી હતી. અહીં બંને વચ્ચે બોલાચાલી થતાં ચાલકે તેના અન્ય કારના ચાલકને ઉલાળીને કાર ભગાવી હતી. આ પછી ભટાર ચાર રસ્તાના સર્વિસ રોડ પરથી એક્ટિવા અને રિક્ષાને અડફટે લીધા બાદ સાઇકલસવાર નિર્મલ રામઘની યાદવને અડફટે લેતાં તેનું મોત થયું હતું. ચાલકે એક પોલ સાથે અથડાવતાં મર્સિડીઝનો ભુક્કો થતાં એ ત્યાં મૂકી ચાલક ભાગ્યો હતો. સુરતમાં યાર્નના ધંધા સાથે સંકળાયેલા ઉદ્યોગપતિ ગિરધર કેજરીવાલને ત્યાં નોકરી કરે છે. મૃતક નિર્મલને 3 દીકરી અને એક દીકરો છે. એક માસ પહેલાં જ ગામથી આવ્યો હતો.