અમદાવાદ: અમદાવાદમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે આજે વધુ 42 કેસો સામે આવ્યા છે. આ સાથે અમદાવાદમાં અત્યાર સુધીમાં કુલ 404 પોઝિટિવ કેસો નોંધાયા છે. જેમા 14 લોકોનાં મોત નિપજ્યાં છે અને 14 લોકો સાજા થઈને ઘરે પરત ગયા છે. આજના 42 કેસોમાં 24 પુરુષ તેમજ 18 મહિલાઓ છે.

મહત્વની વાત એ છે કે, આજે AMCના પૂર્વ વિપક્ષ નેતા બદરુદ્દીન શેખને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. કોર્પોરેટર બદરુદ્દીન શેખે બે દિવસ પહેલા શંકાસ્પદ લક્ષણ જણાતા સામેથી ટેસ્ટ કરાવ્યો હતો જેનો આજે પોઝિટિવ આવ્યો હતો.

બીજી બાજુ કોરોનાના દર્દી ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાના સંપર્કમાં આવેલા દરિયાપુરના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ અને દાણીલીમડાના ધારાસભ્ય શૈલેષ પરમારના પણ આજે કોરોના ટેસ્ટ માટે સેમ્પલ લેવામાં આવ્યા હતા. જોકે તેમનો રિપોર્ટ આવવાનો હજુ બાકી છે.

કોંગ્રેસના ત્રણ ધારાસભ્યો મુખ્યમંત્રી વિજય રૂપાણીને મળવા પહોંચ્યા હતાં. જેમાં કોંગ્રેસના એક ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં તેમના તાત્કાલિક હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા છે. જોકે મહત્વની વાત છે કે, શૈલેષભાઈ પરમાર અને ગ્યાસુદ્દીન શેખ હોમ કોરોન્ટાઈન થયા છે.

અમદાવાદમાં વધી રહેલા સતત કોરોના કેસને લઈને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે અમદાવાદના કૉંગ્રેસના ત્રણ ધારાસભ્યો સાથે બેઠક કરી હતી. રૂપાણીએ કોંગ્રેસના ત્રણ ધારાસભ્યોને મળવા બોલાવ્યા હતા. જેમાં જમાલપુર-ખાડિયાના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા, દરિયાપુરના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ અને દાણીલીમડાના ધારાસભ્ય શૈલેષ પરમારનો સમાવેશ થાય છે. આ બેઠક બાદ કોટ વિસ્તાર અને દાણીલીમડા વિસ્તારમાં કર્ફ્યૂ લાદવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.