અમદાવાદઃ અમદાવાદના શાહીબાગમાં સાસુએ રાત્રે પોતાના બોયફ્રેન્ડ સાથે રંગરેલિયામાં મનાવતી પુત્રવધૂને ઝડપી લેતાં પુત્રવધૂ અને તેના બોયફ્રેન્ડે સાસુ સાથે ઝગડો કરીને ગાળો આપી હતી. આ અંગે પોલીસ ફરિયાદ નોંધાતાં શાહીબાગ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.


સાસુએ પુત્રવધૂને બોયફ્રેન્ડ સાથે ફરતી જોતાં પોતાની બહેનપણી સાથે તેનો પીછો કર્યો હતો. યુવતી અને તેનો બોયફ્રેન્ડ એક મકાનમાં અંદર જતાં રહ્યાં હતાં. સાસુએ દરવાજો ખખડાવતાં બંનેએ બહાર આવીને ઝગડો કર્યો હતો.

આ ઘટનાની વિગત એવી છે કે, શહેરના કાળી ગામ વિસ્તારમાં 55 વર્ષીય મહિલા તેના પતિ અને બે દીકરા સાથે રહે છે. આ મહિલા હોસ્પિટલમાં નોકરી કરે છે. તેમના એક દીકરાના લગ્ન મેઘાણીનગરમાં રહેતી યુવતી સાથે ચાર વર્ષ પહેલાં થયાં હતાં. તેમની પુત્રવધૂ ખાનગી હોસ્પિટલમાં નોકરી કરે છે. જો કે પતિ અને પત્નિ વચ્ચે મનમેળ ના થતાં યુવતી છેલ્લા અઢી વર્ષથી રિસાઈને જતી રહી છે.

બુધવારે રાત્રે સાસુ હોસ્પિટલમાં નાઇટ ડયૂટીમાં હતા. સાસુ અને તેમની બહેનપણી  ચા પીતાં હતાં ત્યારે  તેમણે દીકરાની પત્નીને શાહીબાગ વિઠ્ઠલનગર ચાર રસ્તા પાસે પરપુરુષ સાથે એક્ટિવા પર જતી જોઈ હતી. સાસુએ બહેનપણી સાથે રિક્ષામાં તેનો પીછો કર્યો હતો. પુત્રવધૂ અને તેનો મિત્ર એક્ટિવા બહાર મૂકી એક મકાનમાં જતા રહ્યાં હતાં.   સાસુની બહેનપણીએ ઘરનો દરવાજો ખખડાવતાં બંને લાંબા સમય પછી બહાર આવ્યાં હતાં.  સાસુને જોઈ ઝઘડો કરવા લાગ્યા હતા. સાસુએ પુત્રવધૂને પકડી લેતા પુત્રવધૂ અને તેનો મિત્ર શૈલેષે સાસુને ગાળો ભાંડી હતી. આ અંગે શાહીબાગ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.