અમદાવાદઃ વર્ષ 2014માં કચ્છ જિલ્લાના વાગડ પંથકમાં થયેલા ચકચારી મર્ડરના ગુનામાં સંડોવાયેલ અને 2 વર્ષથી વોન્ટેડ આરોપીની ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરી છે. આરોપીએ સોપારી મળી હોવાથી હત્યા કરી હોવાની હાલ કબૂલાત કરી છે. આ સિવાય આરોપી લુંટ, ચોરી, હથીયારની તસ્કરી જેવા ગુનામા સંડોવાયેલ હોવાનુ પણ બહાર આવ્યું હતું.

અમદાવાદ ક્રાઈમબ્રાંચની કસ્ટડીમાં રહેલા આ આરોપીનુ નામ છે હંસરાજ ઉર્ફે હસુ ડાહ્યાભાઈ મહેશ્વરી છે. આરોપીએ 2014માં કચ્છ જિલ્લાના રાપર તાલુકાના દુધઈ પોલીસ મથકની હદમાં નાગજીભાઈ કોળીની હત્યા કરી હતી. આરોપી હત્યા કર્યા બાદ નાસ્તો ફરતો હતો. આરોપી હંસરાજ અને તેના બે સાગરીતો અતુલ અને વેરસી સાથે મળી નાગજીભાઈની હત્યા કરી લાશ જંગલમાં દાટી દીધી હતી. અને આરોપી ફરાર થઈ ગયો હતો અને તેની આજે ધરપકડ કરવામાં આવી છે. પુછપરછ કરતા સામે આવ્યુ કે હત્યા કરવા માટે આરોપીએ 5 લાખની સોપારી મળી હતી.

હંસરાજની વધુ પુછપરછ કરતા સામે આવ્યુ કે હત્યા માટે 5 લાખની રકમ જેસડા ગામના ઈન્દુભા જાડેજા અને ખેડુકા ગામના વતની કાનાભાઈ ગોહિલ દ્વારા આપવામા આવી હતી. કાનાભાઈ અને મૃતક વચ્ચે પારિવારિક તકરાર હતી. જેના કારણે આ હત્યા કરવામાં આવી હતી. આરોપીની પુછપરછ કરતા તે લૂંટ, વાહનચોરી, હથીયારોની તસ્કરી વગેરે જેવા ગુનામા સંડોવાયેલ છે. તે સિવાય આરોપી કીર્તિ ગેમર અને કુખ્યાત લુંટારુ સાથે પણ સંડોવાયેલો હોવાનું જાણવા મળ્યું છે. હત્યા બાદ આરોપી અમદાવાદ, રણુજા, રાજસ્થાન, જુનાગઢ, મુંબઈ, વગેરે વિસ્તારોમાં છુપાતો હતો.

ઝડપાયેલ આરોપી હંસરાજ હત્યા કરી 2 વર્ષથી ફરાર હતો અને પોલીસને હાથતાળી આપતો હતો. જેથી આ બે વર્ષ દરમિયાન તે કોની સાથે સંપર્કમાં હતો અને અન્ય કોઈ ગુનામાં સંડોવાયેલ છે કે કેમ તેની પોલીસે તપાસ હાથ ધરી છે. ઉપરાંત હત્યા માટે સોપારી આપનાર બે ઈસમોની તપાસ હાથ ધરવામાં આવી છે.