અમદાવાદઃ આમ આદમી પાર્ટી (આપ)ના નેતા ઉમેદસિંહ ચાવડાના રહસ્યમય મૃત્યુનું રહસ્ય ઘેરાતું જાય છે ત્યારે પોલીસ તેમના પોસ્ટમોર્ટમ રીપોર્ટની રાહ જોઈ રહી છે. આનંદનગર પોલીસને સોમવારે પોસ્ટમોર્ટમ રિપોર્ટ મળે પછી મૃત્યુનું કારણ જાણી શકાશે. દરમિયાન પોલીસ મૃતકના સ્વજનો રાજકોટ પાસેના જેતપુરથી પાછા આવે તેની પણ રાહ જોઈ રહી છે. તેમનાં સ્વજનોની પૂછપરછમાં પણ ઘણી વાતો બહાર આવશે. આ હત્યા રાજકીય હત્યા છે કે કેમ તે દિશામાં તપાસ ચાલી રહી છે.


આમ આદમી પાર્ટીના ઉમેદસિંહ પ્રેમજીભાઈ ચાવડાને 29 ડીસેમ્બરે રાત્રે બે મિત્રો સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લાવ્યા હતા. બેભાનવસ્થામાં લવાયેલા ચાવડા કોમામાં જતા રહ્યા હતા. ઉમેદ ચાવડાનું 1 જાન્યુઆરીએ સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું હતું. આનંદનગર પોલીસે ઉમેદસિંહ ચાવડાનું મૃત્યુ આકસ્મિત રીતે થયાની એ.ડી. નોંધીને તપાસ શરૂ કરી છે.

પોલીસને તપાસમા માહિતી મળી છે કે, 29 ડીસેમ્બરે રાતે ઉમેદ ચાવડા બે મિત્રો સાથે કારમાં ગયા હતા. મોડી રાતે રાયપુર ચાર રસ્તાથી થોડે દૂર આવેલી ગલીમાં ચર્ચા દરમિયાન ઉશ્કેરાટ પછી ચાર-પાંચ લોકોએ હુમલો કર્યો હતો. આ હુમલામાં ઘાયલ થયા પછી ઉમેદ ચાવડાને સાથે રહેલા બે મિત્રો કારમાં બેહોશ હાલતમાં લાવ્યાં હતાં. તેમના ઘરે જાણ કરાયા પછી ઉમેદ ચાવડાને પહેલાં સોલા સિવિલ અને પછી અસારવા મોટી સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયા હતા. સારવાર દરમિયાન ઉમેદસિંહ કોમામાં જ હોવાથી તેમની પાસેથી ડાઈંગ ડેકલેરેશ મળ્યું નથી.

મૃતક ઉમેદસિંહની અંતિમવિધી તેમના વતન જેતપુર પાસેના દેવડી ગામે કરવામાં આવ્યા છે. તેમનાં સ્વજનો સોમવારે આવે અને નિવેદન નોંધાવે પછી અનેક સવાલોના જવાબો જાણવા મળી શકે છે.