અમદાવાદઃ ‘શ્રેષ્ઠ ફીચર ફિલ્મ’નો નેશનલ એવોર્ડ જીતનાર ગુજરાતી ફિલ્મ ‘હેલ્લારો’ના ડિરેક્ટર અને પ્રોડ્યુસર સામે અમદાવાદના કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. કોંગ્રેસના કોર્પોરેટર જમનાબેન વેગડાએ ફરિયાદ નોંધાવી છે કે, ફિલ્મમાં અનુસૂચિત જાતિવિષયક શબ્દનો ઉપયોગ કરી જાતિ અને સમાજને નીચો દેખાડવામાં આવ્યો છે. હાલ ગુજરાતમાં આ ફિલ્મની બહુ જ ચર્ચા ચાલી રહી છે.

પોલીસ ફરિયાદ મુજબ મણિનગરમાં રહેતા જમનાબેન સુરેશભાઈ વેગડા કે જેઓ દાણીલિમડા વોર્ડમાંથી કોંગ્રેસના કોર્પોરેટર છે. તેમણે સોમવારે કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે, ફિલ્મ ‘હેલ્લારો’માં ઈન્ટરવલ બાદ એક સીન બતાવવામાં આવ્યો છે જેમાં એક ઢોલી આસરો લેવા માટે આવે છે અને મુખી તેને તેની જાતી પુછે છે. જેનો જવાબ આપતા ઢોલી કોઈ એક ચોક્કસ જાતિનો હોવાનું કહે છે. ફિલ્મમાં અમારી જાતિના સમાજની લાગણી દુભાઈ છે.

આ અંગે ફિલ્મ ‘હેલ્લારો’ના ડિરેક્ટર અભિષેક શાહ, પ્રોડ્યુસર આશિશ સી. પટેલ, નીરવ સી. પટેલ, આયુષ પટેલ, મીત જાની, પ્રતિક ગુપ્તા, ડાયલોગ્સ રાઈટર સૌમ્ય જોશી સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.