અમદાવાદઃ વડાપ્રધાન મોદીએ નવી સિવિલ બિલ્ડીંગનું લોકાર્પણ કર્યું હતું. 1200 પથારી ધરાવતી આ બિલ્ડીગનું લોકાર્પણ કરી પીએમ નરેન્દ્ર મોદી આયુષ્યમાન ભારતના લાભાર્થીઓ સાથે સંવાદ કર્યો. આ પ્રસંગે લોકોને સંબોધતા વડાપ્રધાન મોદી દેશના જવાનો પર પ્રશ્ન ઉભા કરનારા લોકો પર આક્રમક બન્યા હતા. મોદીએ કહ્યું કે, દેશ હિત અમારી પ્રાથમિકતા છે. એરસ્ટ્રાઇક પર સવાલ ઉઠાવનારા લોકોને જવાબ આપતા વડાપ્રધાને કહ્યું હતું કે, મોદીની વાત ના માનશો પરંતુ સૈન્ય પર વિશ્વાસ રાખો. હું વધારે રાહ નથી જોઈ શકતો, વીણી વીણીને હિસાબ લઈશ, ઘરમાં ઘૂસીને મારીશ. તેમણે કહ્યું કે, મને સત્તાની ખુરશીની ચિંતા નથી, મને દેશની ચિંતા છે. એકલા ગુજરાતના દરિયા કિનારાના વિકાસ માટે 75000 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે.




વધુમાં મોદીએ કહ્યું કે, અમદાવાદના લોકોને તમામ સ્વાસ્થ્ય સુવિધાઓ એક જ છત નીચે મળી રહે તે મારુ સપનું પુરુ થયું છે. એક સાથે ચાર હોસ્પિટલનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. 40 વર્ષથી આતંકવાદ હિંદુસ્તાનને ગોળીઓ મારી રહ્યું હતો પરંતુ મત બેન્કની રાજનીતિમાં ડૂબેલા લોકોએ કોઇ કાર્યવાહી કરતા ડરતા હતા. મને ખુરશીની ચિંતા નથી. મને મારા દેશની ચિંતા છે. મને મારા દેશના લોકોની સુરક્ષાની ચિંતા છે.


વડાપ્રધાને કહ્યું કે, બે દાયકા અગાઉ દેશમાં 24 કલાક વિજળી એક સપનું હતું ,લોકો વિજળી વગરનું મુશ્કેલીભર્યું જીવન જીવતા હતા પરંતુ આજે 24 કલાક વિજળી મળી રહી છે. દેશમાં વન નેશન વન કાર્યનું સપનું સાકાર થયું, ડિઝિટલ લેવડ દેવડ સરળ બની. અગાઉની રિમોટ કન્ટ્રોલવાળી સરકારે આટલા વર્ષમાં 250 કિમી મેટ્રોનું કામ કર્યું, અમારી સરકારે 55 મહિનામાં 650 કિમીનું કામ પૂર્ણ કર્યું, એટલું જ નહી 800 કિમીના રૂટ પર કામ ચાલી રહ્યું છે.