Ahmedabad Pole Kite Festival 2024: આગામી 14મી જાન્યુઆરીએ ગુજરાતીઓનો સૌથી મોટો અને સૌથી મનપસંદ તહેવાર ઉત્તરાયણ છે, આ દિવસને ખાસ બનાવવા માટે અમદાવાદના પતંગ રસિયાંઓએ પહેલાથી જ જુના અમદાવાદની કેટલીક પોળોમાં ધાબાઓનું એડવાન્સ બુકિંગ કરાવી લીધુ છે, જોકે, આ વખતે ગયા વર્ષની સરખામણીમાં પોળોના ધાબાઓનું ભાડું તોતિંગ રીતે વધ્યુ છે, એક સ્થાનિકના જણાવ્યા પ્રમાણે, પોળોમાં ધાબાનું એક દિવસનું ભાડુ 25 હજારથી લઇને 75 હજાર સુધી વધ્યુ છે.
પતંગ ચગાવવા માટે પતંગ રસિયાઓ શહેરના કૉટ વિસ્તારના કેટલીક પોળોમાં ધાબાનું એડવાન્સ બુકિંગ કરાવી દીધા છે, આ વખતે પોળોના ધાબાના ભાવમાં 25% સુધીનો વધારો થયો છે, એટલે કે ૧૪મી જાન્યુઆરી અને 15 મી જાન્યુઆરીએ ધાબાના ભાવો અલગ-અલગ હોય છે, જેમાં ૧૪મી જાન્યુઆરીના રોજ ધાબામાં સવારના ચાથી માંડીને રાતના તુક્કલ ચઢાવે ત્યાં સુધીનું, તેમાં જમવા-નાસ્તા સુધીના પેકેજ હોય છે.
ખાસ કરીને વિદેશમાં વસતા ગુજરાતીઓ સ્પેશ્યલ પતંગ ચગાવવા માટે આ વૉર્ડમાં આવતા હોય છે, રાયપુર ખાડિયા ઝાડની પોળની ધાબાની ડિમાન્ડ સૌથી વધુ જોવા મળી રહી છે, અને એક દિવસ પૂર્ણ ધાબાનો ભાડું 25000 થી માંડીને 75000 સુધી વસૂલવામાં આવે છે. શહેરના કોટ વિસ્તારમાં ઢાળની પોળ, રાયપુર, શામડાની પોળ, રાયપુર ચકલાની પોળો સહિતની પોળોમાં પતંગ રસિયાઓ પતંગ ચગાવવા માટે આવે છે, અને અહીંના ધાબાઓને એડવાન્સમાં બુકિંગ કરે છે, આ વખતે પણ એડવાન્સ બુકિંગ કરવામાં આવ્યા છે. ખાસ વાત છે કે, ઉત્તરાયણના તહેવાર નિમિત્તે કોટ વિસ્તારની પોળોમાં જમવા સાથે અને વ્યક્તિદીઠ ભાવ નક્કી કરવામાં આવતા હોય છે.
ઉત્તરાયણ પર પવન કેવો રહેશે, પતંગ રસિકોને લઈ અંબાલાલ પટેલની આગાહી ?
ઉત્તરાયણના તહેવાર પર પવન કેવો રહેશે તેને લઈ પતંગ રસિકોમાં અત્યારથી જ ચર્ચા ચાલી રહી છે. ત્યારે અંબાલાલ પટેલે જણાવ્યું કે, હાલ તો ઠંડી નહિ વધે પરંતું આગામી 10 જાન્યુઆરીથી ઠંડીનો ચમકારો વધે તેવી શક્યતા છે. આ સાથે જ પતંગના રસિકો માટે સારા સમાચાર આપ્યા છે. અંબાલાલના જણાવ્યા અનુસાર, આ વર્ષે ઉત્તરાયણ ઉપર સાનુકૂળ વાતાવરણ રહેશે. ઉત્તરાયણના રોજ ઠંડા પવનો ફૂંકાવાની શક્યતા છે. તેથી લોકો સરળતાથી પતંગોત્સવ માણી શકે છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, પશ્ચિમ વિષુવવૃત હિંદ મહાસાગર નજીક દક્ષિણપૂર્વમાં અપર એર સાક્લોનિક સકર્યુલેશન સક્રિય થયું છે. જે ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધીને વેલ માર્ક લો પ્રેશર એરિયા બનવાની શક્યતા છે. જોકે, તેના કારણે તમિલનાડુ, દક્ષિણ કેરળમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. પરંતુ ગુજરાતમાં આગામી 5 દિવસ વાતાવરણ સૂકુ રહેવાની આગાહી કરવામાં આવી છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યુ છે કે, અરબ સાગરમાં એક હલચલ થઇ છે. જે લો પ્રેશરમાંથી વેલ લો માર્ક લો પ્રેશર બનીને 4 જાન્યુઆરીએ બેંગ્લોર તરફ જઈને ભારતના અંદરના ભાગોને પ્રભાવિત કરતા મહારાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે. આ ઉપરાંત આ સિસ્ટમના કારણે 4 જાન્યુઆરીથી ગુજરાત તરફ ભેજવાળા પવનો આવશે અને બંગાળના ઉપસાગર પરથી પણ ભેજવાળા પવનો આવશે. જેના કારણે ગુજરાતમાં વાદળો આવવાની શક્યતા રહેશે. 8 જાન્યુઆરીના પણ હિંદ મહાસાગર પર એક મજબુત સિસ્ટમ બની રહી છે. તે પણ અરબ સાગરમાં આવવાની શક્યતા રહેશે.
અરબ સાગરના ભેજના કારણે 6થી 7 જાન્યુઆરીના દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં અને દેશના ઘણા ભાગોમાં કમોસમી વરસાદ થવાની શક્યતા રહેશે. બે સિસ્ટમ મર્જ થતા થંડર સ્ટ્રોમ એક્ટિવિટી થવાની શક્યતા રહેશે. રાજ્યમાં કોઈપણ જગ્યાએ ગાજવીજ સાથે વરસાદ થઇ શકે છે. પવનની ગતિ સામાન્ય દિવસોમાં તેજ હોય છે પરંતુ દર વર્ષે ઉત્તરાયણ પર પવનની ગતિ સામાન્ય અથવા મધ્યમ રહે છે. સવારે પવન ન હોવાથી પતંગ રસિકો નિરાશ થતા હોય છે. સાંજના સમયે પવનની ગતિ વધતા લોકો પતંગ ચગાવવાની મજા લેતા હોય છે. 2023નુ વર્ષ શિયાળો, ઉનાળો અને ચોમાસામાં સતત વાતાવરણમા ફેરફાર જોવા મળ્યા છે. 2024 વર્ષની શરુઆત કેવી રહે તેની ઉપર નજર બધાની નજર છે. ત્યારે આ વખતે પવનની ગતિ સારી રહેશે. આ વખતે ઉત્તરાયણ ઉપર વાતાવરણ સાનુકૂળ રહેશે.