અમદાવાદ: હવામાન વિભાગની આગાહી વચ્ચે અમદાવાદ શહેરમાં ધોધમાર વરસાદ શરુ થયો છે. આશ્રમ રોડ પર ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. અમદાવાદ શહેરમાં લાંબા વિરામ બાદ વરસાદનું આગમન થયું છે. અમદાવાદમાં કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ વરસ્યો છે. એસજી હાઈવેના આસપાસના વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા છે. સિંધુ ભવન રોડ, વસ્ત્રાપુર, શિલજમાં ધીમીધારે વરસાદનું આગમન થયું છે. એસજી હાઈવે, કર્ણાવતી રોડ પર વરસાદ વરસી રહ્યો છે.
આજે અમદાવાદમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. અમદાવાદ શહેર અને જિલ્લામાં અત્યાર સુધી સામાન્ય વરસાદ વરસ્યો છે. અમદાવાદ શહેરમાં આ સિઝનમાં કુલ સાડા આઠ ઈંચ વરસાદ વરસ્યો છે. આ સિઝનમાં અમદાવાદ શહેરમાં માત્ર 26 ટકા વરસાદ વરસ્યો છે. ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લામાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે.
હવામાન વિભાગની આગાહી
રાજ્યના હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે આજે નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. દક્ષિણ ગુજરાતના અમુક જિલ્લાઓમાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, સુરત, ભરૂચ, નર્મદા, ડાંગ, તાપીમાં અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. જ્યારે અમદાવાદ, અરવલ્લી, ખેડા, દાહોદ, પંચમહાલમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગે સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં પણ વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં અતિભારે વરસાદની આગાહી કરી છે. આ સિવાય સુરેન્દ્રનગર, બોટાદ, જામનગર અને રાજકોટમાં પણ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
ઉત્તર ગુજરાત તરફ સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ છે. જેના કારણે આજે અમદાવાદમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 5 દિવસ દરમિયાન માછીમારોને દરિયો ન ખેડવા હવામાન વિભાગે સૂચના આપી છે. હવામાન વિભાગે કહ્યું કે, પવનની ગતિ 35/45 કિમી આસપાસ રહેશે. રાજ્યમાં હજુ પણ વરસાદની 2 ટકા ઘટ છે.
શુક્રવારે રાજ્યના 128 તાલુકામાં વરસાદ નોંધાયો
શુક્રવારે રાજ્યના 128 તાલુકામાં વરસાદ નોંધાયો છે. નવસારીના ગણદેવીમાં સૌથી વધુ ચાર ઈંચ વરસાદ નોંધાયો હતો. ચીખલી, વ્યારા અને વલ્લભીપુરમાં અઢી ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે. ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં રાજ્યમાં 26.32 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.. સૌથી વધુ સૌરાષ્ટ્રમાં 36.29, તો કચ્છમાં 34.91 ટકા વરસાદ વરસ્યો છે.
દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં 28.66 ટકા વરસાદ વરસ્યો છે. ઉત્તર ગુજરાતમાં 18.13 અને મધ્ય ગુજરાતમાં સિઝનનો અત્યાર સુધીમાં 16.96 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.