બનાસકાંઠાના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે. અંબાજીમાં ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ ગઈ છે. દિવસભર ગરમીના ઉકળાટ બાદ રાત્રિના સમયે વરસાદની શરૂઆત થઈ હતી. ખેરાલુમાં વરસાદના કારણે જાહેર માર્ગો પર પાણી ભરાયા હતા. હિંમતનગર સહિત જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો છે. અસહ્ય બફારામાં વિજયનગર, હિંમતનગર, ઇડર અને પ્રાંતિજમાં વરસાદી ઝાપટા પડ્યા હતા.
દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો જિલ્લામાં ફરી વરસાદ શરૂ થયો છે. સવારથી વાદળછાંયા વાતાવરણ વચ્ચે વરસાદ શરૂ થયો છે. બારડોલી તેમજ મહુવા પંથકમાં ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે. નવસારી જિલ્લામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી ઝાપટા પડ્યા હતા.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં વરસેલ વરસાદના આંકડા જોઇએ તો સાબરકાંઠા, નવસારીમાં 15 મિમી, અમરેલીમાં 12 મિમી, અમદાવાદ, ભરૂચ અને સુરતમાં 11 મિમી, જ્યારે બનાસકાંઠા, દ્વારકા, મહેસાણામાં 9 મિમી વરસાદ પડ્યો હતો.