અમદાવાદઃ અમદાવાદમાં મોડી સાંજે ભારે પવન સાથે વરસાદ શરૂ થયો હતો. વરસાદના કારણે અમદાવાદના અનેક વિસ્તારોમાં વૃક્ષો અને વીજ પોલ ધરાશાયી થયા હતા. ભારે પવનના કારણે અનેક વિસ્તારોમાં રસ્તા પર લાગેલા હોડિંગ્સ અને બેનરો ઉડી ગયા હતા. મળતી જાણકારી અનુસાર, અમદાવાદના એસજી હાઇવે, પ્રહલાદનગર,  ગોતા, સરખેજ, સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો.  વરસાદના કારણે નવા વાડજ, કૃષ્ણનગર ખાતે ઝાડ ગાડી પર ધરાશાયી થયુ હતું. વરસાદના કારણે શહેરના મોટાભાગના મેદાન પર પાણી ભરાઇ જતાં ગરબાના આયોજનો રદ કરવા પડ્યા હતા.


સરકાર દ્ધારા આયોજીત વાઇબ્રન્ટ નવરાત્રી મહોત્સવ પર વરસાદના કારણે રદ કરવામાં આવ્યું હતુ. તે સિવાય રાજપથ, કર્ણાવતી સહિતના મોટાભાગના ગરબા આયોજકોએ ગરબા રદ કરવાની જાહેરાત કરી હતી. સાંજે આવેલા વરસાદના કારણે શહેરમાં ઠેરઠેર ચક્કાજામના દશ્યો સર્જાયા હતા. ગીતા મંદિર બસ પોર્ટના સર્કલ પર વીજ થાંભલો પડતાં ટ્રાફિક જામ થયો હતો. ગરબાના ચાહકો માટે ખરાબ સમાચાર છે. રાજ્યમાં ડિપ્રેશન સર્જાતા હજુ 48 કલાક અતિશય ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.