અમદાવાદ: ગુજરાતમાં કમોસમી વરસાદના કારણે પાકને થયેલા વ્યાપક નુકસાન સામે રાજ્ય સરકારે આજે રૂ. 10,000 કરોડનું કૃષિ સહાય પેકેજ જાહેર કર્યું છે. જોકે, આ જાહેરાત બાદ ખેડૂતો અને વિવિધ રાજકીય આગેવાનો તરફથી તીવ્ર પ્રતિક્રિયાઓ આવી રહી છે, જેમાં અનેક લોકોએ આ પેકેજને 'અપૂરતું' અને 'ખેડૂતોની મશ્કરી' સમાન ગણાવ્યું છે.
ભાજપમાં રાજીનામાનો સૂર: અમરેલીમાં ભડકો
સરકારના પેકેજ પર સૌથી પહેલો મોટો ભડકો અમરેલી ભાજપમાં થયો છે. સાવરકુંડલા APMCના ડિરેક્ટર અને સાવરકુંડલા તાલુકા ભાજપના પૂર્વ મહામંત્રી ચેતન માલાણીએ ભાજપના પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું આપી દીધું છે. તેમણે સહાય પેકેજને ખેડૂતોની મશ્કરી સમાન ગણાવ્યું છે અને પોતાનું રાજીનામું જિલ્લા ભાજપ પ્રમુખને મોકલી આપ્યું છે.
ખેડૂતોની આક્રોશભરી પ્રતિક્રિયાઓ
રાજ્યભરના ખેડૂતોએ સરકારના આ પેકેજ પર ભારે નારાજગી વ્યક્ત કરી છે, તેને 'લોલીપોપ' ગણાવી છે:
અમરેલીના ખેડૂતોએ શું કહ્યું?
સરકારના પેકેજથી નારાજ ખેડૂતોએ કહ્યું કે આ વળતરથી દવા કે બિયારણનો ખર્ચ પણ નહીં નીકળે. તેમણે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું કે, "આ ઉદ્યોગપતિઓની સરકાર છે, ઉદ્યોગપતિઓને આપવા પૈસા છે, પણ ખેડૂતો માટે નથી." ખેડૂતો પોતાના હકનું માગી રહ્યા હોવાનું તેમણે જણાવ્યું હતું.
સુરતના ખેડૂતોએ શું કહ્યુ?
સુરતના ખેડૂતોએ પેકેજને અપૂરતું ગણાવીને માંગણી કરી કે ખેડૂતોને એક વીઘે રૂ. 30થી 35 હજારનું વળતર મળવું જોઈએ અને સરકારે પેકેજમાં વધારો કરવો જોઈએ.
રાજકોટના ખેડૂતોએ શું કહ્યું?
રાજકોટના ખેડૂતોએ સહાય પેકેજને 'મજાક સમાન' અને 'ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ' ગણાવ્યો. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, "જે પ્રમાણે નુકસાન થયું છે તેની સામે પેકેજ ઓછું છે" અને હેક્ટર દીઠ ઓછામાં ઓછા રૂ. 50,000 મળવા જ જોઈએ, કારણ કે DAP અને બિયારણના ભાવો પણ ઘણા વધારે છે.
રાજકીય અને સંગઠનોના પ્રહાર
સરકારના કૃષિ પેકેજ પર ભારતીય કિસાન સંઘના મહામંત્રી અને કોંગ્રેસના નેતાએ પણ આકરા પ્રહારો કર્યા છે: રાજુ પાનેલીયા (ભારતીય કિસાન સંઘ)એ 10 હજાર કરોડના રાહત પેકેજને ખેડૂતોની મજાક ગણાવી છે. તેમણે આરોપ લગાવ્યો કે સહાય પેકેજ માત્ર બે હેક્ટર પૂરતું મર્યાદિત છે અને સરકારે ખેડૂતોના દેવા માફ કરવા જોઈએ.
"આટલા રૂપિયામાં મગફળીનું બિયારણ પણ ન આવે"- વસોયા
કોંગ્રેસ નેતા લલીત વસોયાએ સરકારના સહાય પેકેજને ખૂબ ઓછું અને ખેડૂતોની મશ્કરી ગણાવી. તેમણે કહ્યું કે, "આટલા રૂપિયામાં મગફળીનું બિયારણ પણ ન આવે." વસોયાએ માંગણી કરી કે જ્યાં સુધી ખેડૂતોનું દેવું માફ નહીં થાય, ત્યાં સુધી તેઓ લડતા રહેશે.