જીવનઘડતરના ધ્યેયથી, સદાચાર, તરુણાશ્રમ, ગાંધીજી અને નવી પેઢી સહિત અનેક નિબંધ સંગ્રહ તેમણે આપ્યા હતા. તેમણે ગુજરાતીમાં કરેલા ઉત્કૃષ્ટ સાહિત્યસર્જન માટે 1966માં કુમાર ચંદ્રક અને 1978માં રણજિતરામ સુવર્ણચંદ્રક મળ્યો હતો. ફાધર વાલેસ નિવૃત્તિ પછી સ્પેનમાં રહેવા ચાલ્યા ગયા હતા, પણ અવારનવાર કર્મભૂમિ ગુજરાતની મુલાકાતે આવતા રહેતા.
તેમનું મૂળ નામ કાર્લોસ ગોંઝાલેઝ વાલેસ હતું. મિત્રોમાં એસજે અને સાહિત્યમાં ફાધર વાલેસ તરીકે ઓળખાતા કાર્લોસે માત્ર દસ વર્ષની વયે પિતાને એક બીમારીમાં ગુમાવ્યા હતા. સ્પેનમાં આંતરવિગ્રહ થતાં કાર્લોસ પોતાની માતા અને ભાઇની સાથે લોગરાનો છોડીને માતાની કાકીને ત્યાં રહેવા ગયા. કાર્લોસે પોતાના ભાઇની સાથે એક જેસ્યુઇટ સ્કૂલમાં અભ્યાસ કર્યો. તેમણે પંદર વર્ષની વયે જેસ્યુઇટ નોવેટેટ એટલે કે ધર્મગુરુ- ધર્મસેવક બની ગયા. 1949માં તેમને એક મિશનરી તરીકે ભારતમાં મોકલવામાં આવ્યા. ભારતમાં તેમણે પોતાનો અધૂરો રહેલો અભ્યાસ ફરી શરૂ કર્યો અને મદ્રાસ યુનિવર્સિટીમાંથી ગણિત વિષય રાખીને ફર્સ્ટ ક્લાસ ઑનર્સ સાથે એમ. એ. થયા. એ પછી તેમણે પોતાની માતૃભાષા સ્પેનિશ ઉપરાંત અંગ્રેજી અને ગુજરાતી ભાષા શીખવાનો આરંભ કર્યો.
પૂણેમાં ચાર વર્ષ ધાર્મિક અધ્યયન કરતાં કરતાં તેમણે ગુજરાતી ભાષામાં લખવાનો આરંભ કર્યો. સાવ સાદી સરળ ભાષામાં તેમણે વિચારો વ્યક્ત કરવામાં હથોટી મેળવી. તેમણે ગુજરાત યુનિવર્સિટી માટે ગણિતનાં કેટલાંક મહત્ત્વનાં પુસ્તકો વિદેશી ભાષાઓમાંથી ગુજરાતીમાં અનુવાદ કર્યા. આ પુસ્તકો પણ ગણિતના વિદ્યાર્થીઓ માટે વરદાન સમા બની રહ્યા હતા.
ગુજરાતી ભાષામાં લખવાનું તેમણે સતત ચાલુ રાખ્યું હતું. ભારતમાં અને લેટિન અમેરિકામાં પોતાને થયેલા અનુભવોના સંભારણાં તેમણે અંગ્રેજીમાં લખ્યાં. ત્યારબાદ અંગ્રેજી અને સ્પેનિશ ભાષાનાં પુસ્તકોનો સરળ અનુવાદ કરતા થયા. ગુજરાતી ભાષામાં તેમનાં સત્તરેક પુસ્તકો પ્રગટ થયાં જેમાંનાં કેટલાંક તો બેસ્ટ સેલર બની રહ્યા. ગાંધી- હિંસાનો વિકલ્પ, ભારતમાં નવ રાત્રિ, એક રાષ્ટ્ર માટે એક શિક્ષક, હિમાલય જેવડી ભૂલ, ઉત્કૃષ્ટતાના પંથે, નેતાઓના નેતા, લગ્નસાગર, કુટુંબ મંગળ, ધર્મમંગળ, ગાંધીજી અને નવી પેઢી, સંસ્કાર તીર્થ, કૉલેજ જીવન, જીવન દર્શન વગેરે પુસ્તકો તેમણે લખ્યા છે.