અમદાવાદ: લગ્નના 15 વર્ષ બાદ પણ પ્રેમી અને પ્રેમિકા વચ્ચે પ્રેમ સબંધ યથાવત રહ્યો હતો. જોકે પ્રેમિકાના ખબર અંતર પૂછવા માટે હોસ્પિટલ જતાં સમગ્ર ભાંડો ફૂટ્યો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સોલા સિવિલમાં દાખલ કરેલી પ્રેમિકા માટે યુવક ટીફિન લઈને આવ્યો હતો જ્યાં પત્નીના પલંગ પર બેઠેલા પ્રેમીને જોઈ પતિ ચોંકી ઉઠ્યો હતો અને વોર્ડમાં જ ઢોર માર મારીને રિક્ષામાં અપહરણ કર્યું હતું.

સમગ્ર ઘટના એવી છે કે, અસલાલીમાં ભરવાડવાસમાં રહેતા રઘુભાઇ.જે.ભરવાડે સોલા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી છે કે તેઓને પીરાણા ખાતે રહેતી યુવતી સાથે 15 વર્ષથી પ્રેમ સબંધ હતો. જોકે તેણીની તબિયત સારી ન હોવાથી એક અઠવાડિયાથી સોલા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. 26 જુને રાત્રે 9 વાગ્યાની આસપાસ યુવક પ્રેમીની ખબર પૂછવા પહોંચ્યો હતો અને તેના માટે ટીફિન પણ લઈ ગયો હતો.

જોકે આ સમયે હોસ્પિટલમાં બીજા માળે યુવક પ્રેમિકાના પલંગ પર વાતચીત કરતો હતો ત્યારે યુવતીનો પતિ અનીલ આવ્યો હતો. બન્નેને વાતચીત કરતાં જોઈને તે ચોંકી ગયો હતો અને એકદમ ઉશ્કેરાઈને ઝઘડો કરવા લાગ્યો હતો. એટલું જ નહી વોર્ડમાં પ્રેમીને બે લાફા પણ ઝિંકીને ગળુ પકડીને મારતો મારતો નીચે લઈ ગયો હતો. ત્યાર બાદ ગેટ પરથી રિક્ષામાં બેસાડીને એસ.જી.હાઇવે પર ગુરુદ્વારા પાસે લઈ ગયો હતો. જ્યાં ફોન કરતાં રિક્ષા લઈને તેના મહેશ ભરવાડ સહિત બીજા બે મિત્રો આવી પહોંચ્યા હતા.

તેઓની રિક્ષામાં બેસાડીને મારતા મારતા પીરાણા વિસ્તારમાં લઈ ગયા હતા. જોકે યુવતીના ઘર પાસે નીચે ઉતારીને ઢોર માર માર્યો હતો. ત્યાર બાદ ફરીથી રિક્ષામાં નાંખીને મધરાતે પીરાણાથી સરખેજ તરફ જતાં એક હિંગની ફેક્ટરી પાસે ગટર જેવા નાળામાં ફેંકીને નાસી ગયા હતા. બીજા દિવસે સવારે યુવક બેહશ હાલતમાં ચાલતો ચાલતો રોડ પર આવ્યો હતો જ્યાં હાજર લોકોએ સબંધીઓને ફોન કરીને બોલાવ્યા હતા.

ત્યારબાદ યુવકને બારેજાની ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યા હતો અને તબિતયત સારી થતાં યુવકે સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી હતી. આ ઘટના અંગે સોલ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર ડી.એચ.ગઢવીના જણાવ્યા મુજબ સીસીટીવી ફૂટેજ આધારે તપાસ હાથ ધરીને આરોપીઓની શોધખોળ કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે.