અમદાવાદઃ કોરોના મહામારી વચ્ચે બર્ડ ફ્લૂના વધતા કેસોએ ગુજરાત સરકારની ચિંતા વધારી દીધી છે. ગુજરાત સહિત અત્યાર સુધીમાં 10થી વધુ રાજ્યોમાં બર્ડ ફ્લૂની પુષ્ટિ થઈ ચૂકી છે. આ રાજ્યોમાં ગજરાત ઉપરાંત કેરળ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, હિમાચલ પ્રદેશ, હરિયાણા, ઉત્તર પ્રદેશ અને દિલ્હીનો સમાવેશ થાય છે.

ગુજરાતમાં જુનાગઢ, સુરત સહિત સાત જિલ્લામાં બર્ડ ફ્લૂના કેસો સામે આવ્યા છે. જેમાં સૌથી વધુ પાંચ જિલ્લા દક્ષિણ ગુજરાતના છે. આ દરમિયાન અમદાવાદમાં મણિનગરમાં ગોરના કુવા પાસે બગલો આવીને પડતાં અનેક તર્ક વિતર્ક થઈ રહ્યા છે. મણિનગરમાં ખારીકટ કેનાલ પાસે કર્મભૂમિ સોસાયટી પાસેના રહેણાંક વિસ્તારમાં બગલો આવીને પડતાં તેનું મોત નીપજ્યું હતું. આ કારણે આસપાસના સ્થાનિકોએ  1962 અને એએમસીને જાણ કરી હતી. આ ઘટના બાદ સ્થાનિકોમાં બર્ડફ્લૂ ફેલાવાની ભીતિ ઉભી થઈ છે.

વિશ્વ આરોગ્ય સંગઠન (ડબલુએચઓ) અનુસાર H5N1 એક પ્રકારનો ઈંફ્લૂએન્ઝા વાયરસ છે જે ખૂબ જ ચેપી છે. H5N1થી સંક્રમિત થયા બાદ 60 ટકા લોકો મૃત્યુ પામે છે. H5N1થી સંક્રમિત પક્ષીઓ, H5N1ના કારણે મૃત્યુ પામેલા પક્ષીઓનાં સંપર્કમાં આવવાથી અથવા H5N1થી દુષિત વાતાવરણમાં જવાથી મનુષ્યોમાં આ રોગ ફેલાય છે.

ડબલુએચઓ અનુસાર મનુષ્યોમાં આ બીમારી સહેલાઈથી ફેલાતી નથી. પરતું વાયરસના કારણે વ્યક્તિને ઘણી ગંભીર બીમારી થવાનો ખતરો છે, જેમાં મલ્ટિપલ ઑર્ગન ફેઇલ્યોર અને શ્વાસની ગંભીર બીમારી સામેલ છે. જો વ્યક્તિ બર્ડ ફ્લૂથી સંક્રમિત થાય તો તીવ્ર તાવ, અસ્વસ્થતા, ઉધરસ, ગળામાં દુઃખાવો અને સ્નાયુઓમાં દુઃખાવાની તકલીફ હોઈ શકે છે. દરદીને પેટ અને છાતીમાં દુઃખાવો થવાની સાથે-સાથે ઝાડા પણ થઈ શકે છે. શ્વાસની બીમારી થવાની સાથે મસ્તિષ્કને લાગતી બીમારી પણ થઈ શકે છે. મનુષ્યોમાં H5N1 બીમારી ક્યારેક-ક્યારેક જોવા મળે છે. એક વ્યક્તિથી બીજી વ્યક્તિમાં સંક્રમણ ફેલાતું નથી.