અમદાવાદ: હાલમાં અચાનક આંખના રોગમાં ધરખમ વધારો થયો છે. રાજ્યમાં રોજના હજારોની સંખ્યામાં આંખના રોગના કેસ સામે આવી રહ્યા છે. જેને લઈને તંત્ર હરકતમાં આવ્યું છે. અમદાવાદની વાત કરીએ તો, શહેરમાં આંખો આવવાના કેસમાં નોંધપાત્ર વધારો થયો છે. કોર્પોરેશનના હેલ્થ વિભાગ દ્વારા આંખોના ટીપા ખૂટી પડતા નવો જથ્થો મંગાવવાની ફરજ પડી છે. હાલમં 50000 જેટલા નવા ટીપા મંગાવવામાં આવ્યા છે. આ અગાઉ 20000 ટીપા મંગાવવામાં આવ્યા હતા.


 



માત્ર એક દિવસમાં કોર્પોરેશનના UHC અને PHCમાં 1800 જેટલા નવા કેસ સામે આવી રહ્યા છે. AMC અને પ્રાઇવેટ હોસ્પિટલના આંકડા એડ કરવામાં આવે તો દર્દીઓની સંખ્યા ચોકાવનારી છે. એક સપ્તાહમાં અમદાવાદમાં 35000 થી વધુ કેસ નોંધાયા છે. પ્રાઇવેટ હોસ્પિટલો સહિત જો આંકડા ગણવામાં આવે તો એક મહિનામાં 45,000 થી વધુ કેસ નોંધાયા છે. પરિસ્થિતિની ગંભીરતાને જોતા AMC દ્વારા આંખના ટીપાં આપવામાં આવી રહ્યાં છે.


રાજકોટ શહેર અને જિલ્લામાં કન્જકટીવાઇટીસ રોગમાં વધારો થયો છે. સિવિલ હોસ્પિટલમાં છેલ્લા આઠ દિવસમાં દર્દીઓની સંખ્યામાં ધરખમ વધારો થયો છે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં આવેલી જી.ટી શેઠ આંખની હોસ્પિટલમાં દર્દીઓની લાઈનો જોવા મળી હતી. દરરોજના 400 થી 500 દર્દીઓ આવી રહ્યા છે. આઠ દિવસ પહેલા માત્ર 50 દર્દીઓ જ આવતા હતા. તો રાજકોટ શહેરની ખાનગી હોસ્પિટલોમાં પણ દર્દીઓની સંખ્યામાં ધરખમ વધારો થયો છે. એક અંદાજ મુજબ રાજકોટ શહેર અને જિલ્લામાં 2000 કરતાં વધારે દર્દીઓ દરરોજ આવી રહ્યા છે.


 



વડોદરા શહેરમાં પણ કંજકટીવાઇટીસનો આતંક જોવા મળી રહ્યો છે. જાણીતા આઈ સ્પેશ્યાલિસ્ટ ડો.અશોક મહેતાએ આ અંગે નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, દૈનિક 1000 થી વધુ દર્દીઓ નોંધાઇ રહ્યા છે. ચોમાસામાં ભેજ અને પ્રદુષિત હવાને કારણે કેસ વધ્યા છે. ચોમાસામાં એડીનો વાયરસ ફેલાય છે. ખાનગી હોસ્પિટલમાં 50માંથી 15 દર્દીઓ કંજકટીવાઇટીસના હોય છે. ઘરેલુ નુસખાઓથી સંક્રમણ કાબુમાં આવતું નથી. દર્દીઓએ કપડાં અને રૂમાલ અને અન્ય વસ્તુઓ અલગ રાખવી જોઈએ. સૌથી વધુ બાળકો ભોગ બની રહ્યા છે. શાળાઓમાં એક સાથે બેસતા હોવાથી સંક્રમણ ફેલાયું છે. તબીબના નિદાનથી સારવાર શક્ય છે.


આંખ આવનાની ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે તેનાથી બચવા શું કરી શકાય તે જાણવાનો પ્રયાસ ABP અસ્મિતા એ કર્યો છે. સુરતના ખ્યાતનામ ડોક્ટર મહેન્દ્ર ચૌહાણે તેના ઉપાયો જણાવ્યા છે. સુરત શહેરમાં સિવિલ અને સ્મીમેર હોસ્પિટલ મળી રોજ 300 થી વધુ કેસો નોંધાય છે. આ ઉપરાંત સુરત શહેરમાં આવેલા કલીનીકોમાં રોજિંદા 10 થી 25 કેસો રોજ ના નોંધાય છે. આ સાથે ડાયરેક્ટ મેડિકલમાંથી ટીપા અને દવા લેનારાની સંખ્યા પણ મોટી છે.