અમદાવાદઃ અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના આગમનને લઈને યુએસ સિક્રેટ એજન્ટ્સ સુરક્ષા વ્યવસ્થા પર ખૂબ જ એલર્ટ રહેતી હોય છે ડોનાલ્ડ ટ્રમ્પ જ્યાં જાય તે પહેલા તે એજન્સી ત્યાં પહોંચીને તમામ તપાસ કરે છે. ત્યારે આ માટે તેમણે સ્પેશિયલ યુએસથી સુરક્ષા સાધનો એરક્રાફ્ટથી મગાવ્યા છે. જેમાં એક કાર કે જેના ઉપર 360 ડિગ્રી કેપ્ચર કરી શકે તેવા સુવિધાવાળો કેમેરો લગાવવામાં આવ્યો છે.


આ કાર સ્પેશિયલ યુએસથી મંગાવવામાં આવી છે. જેની કિંમત અંદાજે 1 કરોડ 25 લાખ રૂપિયા જેટલી હોવાનું ઈન્ટરનેટના માધ્યમથી જાણવા મળ્યું છે. આ કેમેરાનું સીધું કનેક્શન ગુજરાત પોલીસ અને સિક્રેટ સર્વિસના એજન્ટ્સના રૂમમાં હશે. જેના માટે ગુજરાત પોલીસના ઓફિસર્સ અને સિક્રેટ સર્વિસના એજન્ટે બેઠકનું આયોજન કર્યું હતું. આ સિવાય એરફોર્સ માટે પણ સ્પેશિયલ સિક્યોરિટી ફાળવવામાં આવશે.

ધ વ્હાઈટ હાઉસ કોમ્યુનિકેશન્સ એજન્સી (ડબ્લ્યૂએચસીએ) રોડરનર કાર દરેક અમેરિકી પ્રમુખના કાફલાનો ભાગ છે. તે મોબાઈલ, કમાન્ડ-કન્ટ્રોલ વ્હીકલ તરીકે ઓળખાય છે. આ સુરક્ષા કારની નંબર પ્લેટ પર પણ યુએસ ગવર્મેન્ટ ફોર ઓફિશિયલ યુઝ ઓન્લી લખવામાં આવ્યું છે.

આ વાહન અમેરિકી પ્રમુખના કાફલાનું મુખ્ય સંદેશા વ્યવહાર હબ છે. આમાં ટ્રાન્સપોન્ડર, એન્ટેના, સેટેલાઈટ કોમ્યુનિકેશન, વીએચએફ એન્ટેના જેવી સુવિધા હોય છે. તે અમેરિકી સિક્રેટ સર્વિસ કમાન્ડની વિશેષ એસયુવી છે. આ કાર સોમવારે અમદાવાદમાં જોવા મળી હતી. જેની તસવીરો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થઈ હતી.