નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે બુધવારે સ્વચ્છતા સર્વેક્ષણ-2019 માટે દેશના સૌથી સ્વચ્છ શહેરોની યાદી જાહેર કરી હતી. જેમાં મધ્યપ્રદેશના ઈંદોરે સતત ત્રીજી વાર દેશનું સૌથી સ્વચ્છ શહેર જાહેર કરવામાં આવ્યું હતું.  જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે ટોપ ટેન શહેરમાં ગુજરાતના બે શહેરનો સમાવેશ થયો છે. યાદીમાં છઠ્ઠા ક્રમે અમદાવાદ અને નવમાં ક્રમે રાજકોટનો સમાવેશ થાય છે. ચાર હજારથી વધારે શહેરમાં સ્વચ્છતા સર્વેક્ષણ કરવામાં આવ્યું હતું. દિલ્હીના વિજ્ઞાન ભવનમાં એવોર્ડ સેરેમની દરમિયાન આ આંકડા જાહેર કરાયા હતા.


સ્વચ્છતા સર્વેક્ષણના પરિણામ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને હાઉસિંગ અને શહેરી બાબતોના મંત્રી હરદીપસિંઘ પુરીએ જાહેર કર્યા હતા. આ સર્વેક્ષણ દરમિયાન ચોથી જાન્યુઆરીથી 31મી જાન્યુઆરી દરમિયાન દેશના 4237 શહેરમાં સર્વે કરવામાં આવ્યો હતો.


અમદાવાદના મેયરે રાષ્ટ્રપતિના હાથે સ્વિકાર્યો એવોર્ડ

આ યાદીમાં રાજ્યના અમદાવાદ શહેરને ટોપ ટેનમાં છઠ્ઠા નંબરનું સ્થાન મળ્યું છે. 4137ના સ્કોર સાથે અમદાવાદ છઠ્ઠા નંબરે રહ્યું છે. અમદાવાદના મેયરે રાષ્ટ્રપતિના હાથે એવોર્ડ સ્વિકાર્યો હતો. સર્વેક્ષણમાં રાજકોટ શહેરને નવમું સ્થાન મળ્યું છે. રાજકોટને 4000 સ્કોર મળ્યો છે.

સોલિડ વેસ્ટ મેનેજમેન્ટમાં સુરત પ્રથમ સ્થાને

આજે જાહેર કરાયેલા આંકડામાં સુરતનો 14મો નંબર આવ્યો છે. જોકે, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટમાં સમગ્ર દેશમાં સુરતે પ્રથમ સ્થાન આવ્યું છે. આ પહેલા પણ સુરત 14માં ક્રમે જ રહ્યું હતું.


કયા નંબરે કયુ શહેર?

સ્વચ્છતા સર્વેક્ષણના જાહેર કરાયેલા આંકડામાં મધ્ય પ્રદેશનો ઇન્દોર સૌથી ટોપ પર રહ્યું છે. બીજા નંબરે છત્તીસગઢનું અંબિકાપુર શહેર રહ્યું છે. ત્રીજા ક્રમે કર્ણાટકનું મૈસુર અને ચોથા ક્રમે મધ્ય પ્રદેશનું ઉજ્જૈન શહેર રહ્યું છે. પાંચમાં ક્રમે દેશની રાજધાની નવી દિલ્હી રહી છે. છઠ્ઠા ક્રમે અમદાવાદ અને સાતમાં ક્રમે નવી મુંબઈ રહ્યું છે. આઠમાં નવામાં અને દશમાં ક્રમે ક્રમશ: તિરુપતી, રાજકોટ અને દેવાસ શહેર રહ્યા છે.