ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોના વાયરસનો કહેર યથાવત રહ્યો છે. રાજ્યમાં આજે 228 નવા કેસ નોંધાયા હતા જેમાંથી ફક્ત અમદાવાદમાં 140 કેસ નવા નોંધાયા છે. આ સાથે અમદાવાદમાં કુલ કોરોના પોઝિટિવનો આંકડો 1002એ પહોંચ્યો છે.

સ્વાસ્થ્ય વિભાગના અગ્ર સચિવ જયંતિ રવીએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં છેલ્લા 12 કલાકમાં 5 લોકોના મોત થયા છે. ઉપરાંત 1 વ્યક્તિને ડિસ્ચાર્જ કરવામાં આવી છે. આ સાથે ગુજરાતમાં કુલ કોરોના દર્દીઓની સંખ્યા 1604 પર પહોંચી ગઈ છે.


અમદાવાદમાં જે નવા કોરોના કેસ નોંધાયા છે તેમાં મોટાભાગના નરોડા, જમાલપુર, બહેરામપુરા, રિલિપ રોડ, ત્રણ દરવાજા, મણીનગર, મેઘાણીનગર, જીવરાજ પાર્ક, દુધેશ્વર, જુહાપુરા વિસ્તારોના છે. આ સાથે અમદાવાદમાં કોરોના પોઝિટીવ કેસની કુલ સંખ્યા 1002 પર પહોંચી ગઇ છે.


જયંતિ રવિએ જણાવ્યું હતુ કે, પોઝિટિવ આવતા દર્દીઓ પૈકી 80 ટકા દર્દીઓમાં કોઈ લક્ષણો જોવા મળતા નથી. અત્યાર સુધીમાં રાજ્યમાં 94 લોકોએ કોરોનાને હાર આપી છે. અમદાવાદ સિવાય વડોદરામાં 8, સુરતમાં 67, રાજકોટમાં 5,આણંદ એક અને બનાસકાંઠામાં બે, છોટાઉદેપુર 1, મહેસાણામાં 1,ભાવનગરમાં 2, બોટાદમાં એક કેસ નોંધાયો હતો.