અમદાવાદ: શિયાળાની શરુઆતની સાથે જ તસ્કરો પણ બેફામ બન્યા છે. રાજ્યમાં દિવાળીના તહેવાર બાદ લોકો પરિવાર સાથે રજાઓ માણવા જાય છે અથવા તો વતનમાં જતા હોય છે ત્યારે બંધ મકાનને નિશાન બનાવવામાં આવે છે. અમદાવાદ શહેરના સેટેલાઇટ વિસ્તારમાં આવેલા આર્યવ્રત સ્કાયમાં રહેતા વેપારીનો પરિવાર વતનમાં ગયો હતો. તેમના ઘરે ચોરીનો બનાવ બન્યો છે. વેપારી પરિવાર જ્યારે વતનથી પરત ફર્યો ત્યારે ઘરની અંદર રહેલા લોકર તુટેલી હાલતમાં જોવા મળ્યા હતા. જેથી તેમાં તપાસ કરી તો 87 લાખ રુપિયા રોકડા અને અન્ય દાગીના મળીને કુલ 95 લાખથી વધુની ચોરી થઈ હોવાનું સામે આવ્યું હતું. 


બે વર્ષ પહેલા તેમના ત્યાં નોકરી કરતા શખ્સની સંડોવણી


વેપારી પરિવારે જ્યારે સીસીટીવી ફુટેજ  ચેક કર્યા ત્યારે બે વર્ષ પહેલા તેમના ત્યાં નોકરી કરતા શખ્સની સંડોવણી હોવાનુ સામે આવ્યું હતું. પોલીસે  શંકા રાખીને તપાસ હાથ ધરતા ઝોન-7 એલસીબીએ આ ગુનાનો ભેદ ઉકેલ્યો છે અને આરોપીની અટકાયત કરી તપાસ હાથ ધરી છે.


આ વેપારી મૂળ કાનપુરના અને હાલ અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં આવેલા આર્યવ્રત સ્કાયમાં રહે છે. વેપારી અમિતભાઇ કારીવાલા  સ્વસ્તિક ચાર રસ્તા પાસે આદિત્ય ઇન્ટરનેશનલ કંપનીમાં એન્જીનીયરીંગ તથા ટ્રેક્ટરની એજન્સી ધરાવે છે. ગત તારીખ  10ના રોજ અમિતભાઇ, પત્ની અને પુત્રી ઘરને તાળુ મારીને મુખ્ય દરવાજાની ચાવી ઓફિસમાં કામ કરતા વ્યક્તિને સોંપી પોતાના વતનમાં ગયા હતા. વતનમાં જતા પહેલા કબાટમાં રાખેલા લોકરની ચાવી અન્ય જગ્યાએ મૂકીને ગયા હતા. કારણ કે, ઘરના લોકરમાં 87 લાખ રોકડા અને સોના ચાંદીના દાગીના પણ હતા. બાદમાં ગત તારીખ 20મીએ અમિતભાઇના પત્ની અને પુત્રી વતનથી પરત ફર્યા ત્યારે મુખ્ય દરવાજો તથા રૂમનો દરવાજો બંધ હોવાથી ચાવીથી ખોલીને બંને ઘરમાં પ્રવેશ્યા હતા. અમિતભાઇના પત્ની બેડરૂમનો દરવાજો ચાવીથી ખોલીને અંદર પ્રવેશ્યા ત્યારે લોખંડનું લોકર તુટેલી હાલતમાં પલંગ પર પડ્યુ હતું અને બીજુ લોકર ખુલ્લી હાલતમાં હતું. 


આ કારણે  અમિતભાઇ 21મીએ કાનપુરથી નીકળીને અમદાવાદ ઘરે આવી પહોંચ્યા હતા. ઘરે આવીને જોયુ તો તસ્કરોએ લોખંડનું લોકર કાપીને 87 લાખ રોકડા તથા આઠેક લાખના સોનાના છથી સાત પેન્ડલ, બુટ્ટી, વિંટી અને 50 હજારના ચાંદીના દાગીના મળી 95 લાખથી વધુની  ચોરી કરીને ફરાર થયા હતા. જે મામલે સેટેલાઇટ પોલીસને જાણ કરવામાં આવી હતી.


ઝોન-7 એલસીબીને સફળતા મળી


સેટેલાઈટ પોલીસ દ્વારા સીસીટીવી ફુટેજ તપાસતા બે વર્ષ પહેલા નોકરી કરતા ગોવિંદ મેઘવાલ તથા અન્ય બે શખ્સો જોવા મળ્યા હતા. જેથી તેમની પર પોલીસે શંકા વ્યક્ત કરીને ત્રણેયની શોધખોળ કરતા ઝોન-7 એલસીબીને સફળતા મળી હતી. પોલીસે આરોપીની અટકાયત કરીને પૂછપરછ હાથ ધરતા ડુપ્લીકેટ ચાવીથી લોક ખોલીને ઘરમાં પ્રવેશીને લોકર કાપીને ચોરીને અંજામ આપ્યો હતો. આ ગુનાનો મુખ્ય આરોપી ગોવિંદ મેઘવાલ અગાઉ બે વર્ષ પહેલા છ એક માસ નોકરી કરી ચૂક્યો હોવાથી બધુ જાણતો હતો અને ચોરીને અંજામ આપ્યો હતો.