અમદાવાદઃ શહેરમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. આ સાથે સાથે કોરોના વોરિયર્સ પણ મોટી સંખ્યામાં કોરોનાનો શિકાર બની રહ્યા છે. અમદાવાદમાં અત્યાર સુધીમાં ૩૬૧ પોલીસકર્મીઓને કોરોનાનો ચેપ લાગ્યો છે. તેમજ ચારના મોત થયા છે. હાલ, ૮૮ પોલીસકર્મીઓ સારવાર હેઠળ છે.


ઓઢવ-અમરાઇવાડી પોલીસ ઇન્સ્પેકટર કોરોનામાં સપડાયા છે. તેમજ અત્યાર સુધીમાં ૨૭૩ પોલીસ કર્મચારી સાજા થતાં રજા આપી દેવામાં આવી છે. એટલું જ નહીં, ૭૪૨ પોલીસકર્મીઓ હોમ કવોરેન્ટાઇન છે.



નોંધનીય છે કે, અમદાવાદમાં ગઈ કાલે 251 કેસ નોંધાયા હતા. જ્યારે 23 લોકોના મોત થયા છે. આમ, અમદાવાદમાં કોરોનાના કુલ 10,841 કેસ નોંધાયા છે. તેમજ અમદાવાદમાં કુલ 4623 લોકોએ કોરોને મ્હાત આપી છે. જ્યારે અમદાવાદમાં કુલ 745 લોકોના કોરોનાથી મોત થયા છે. આ સિવાય રાહતના સમાચાર એ પણ છે કે, ગુજરાતના 4 જિલ્લામાં છેલ્લા છ દિવસથી એક પણ કોરોનાનો કેસ નોંધાયો નથી. આ જિલ્લાઓમાં ભરુચ, છોટા ઉદેપુર, ડાંગ અને દેવભૂમિ દ્વારકાનો સમાવેશ થાય છે.

નોંધનીય છે કે, ગુજરાતમાં ગઈ કાલે એક સાથે 503 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. આ સાથે ગુજરાતમાં દર્દીઓનો રીકવરી રેટ વધીને 48.13 ટકા થઈ ગયો છે. જે લોકો માટે ખુબ સારા સમાચાર કહી શકાય. રાજ્યમાં અઠવાડિયા પહેલા દર્દીઓની રીકવરી રેટ 40.89 ટકા હતા. જે વધીને 48.13 ટકા થયો છે. જે સમગ્ર દેશના 41.60 ટકા રીકવરી રેટની સરખામણીએ વધારે છે.