અમદાવાદ: અમદાવાદના બોડકદેવના રિજન્ટ પાર્ક બંગલોમાં ધાબા પર દારૂની મહેફિલ માણતાં ત્રણ યુવતી સહિત 10 લોકોની વસ્ત્રાપુર પોલીસે ધરપકડ કરી હતી. ઝડપાયેલા આરોપીઓમાં એક સગા ભાઈ-બહેન અને પતિ-પત્ની પણ સામેલ છે તેવું પોલીસ સુત્રોમાંથી જાણવા મળ્યું છે.


રિજન્ટ પાર્કમાં રહેતો અને નાગપુરમાં નોકરી કરતો મોહિલ પટેલ નામના યુવકનો બર્થ-ડે હોવાથી નાગપુરથી દારૂ લાવી મિત્રો સાથે દારૂની પાર્ટી કરી હતી. આ અંગે વસ્ત્રાપુર પોલીસને માહિતી મળી હતી કે રિજન્ટ પાર્ક બંગલોમાં ધાબા પર યુવક યુવતીઓની દારૂની મહેફિલ ચાલતી હતી. પોલીસે 4 નંબરના બંગલામાં રેડ કરી ત્રણ યુવતીઓ અને 7 યુવકોને દારૂ પીધેલી હાલતમાં ઝડપી લીધાં હતાં.

પોલીસને બે ખાલી દારૂની બોટલો મળી હતી. પોલીસે હાજર એક શખ્સની પૂછપરછ તેનું નામ મોહિલ પટેલ હોવાનું જણાવ્યુ હતું. બર્થ-ડે હોવાથી નાગપુરથી દારૂ લાવી મિત્રો સાથે પાર્ટી કરી હતી. પોલીસે તમામની ધરપકડ કરી હતી.