અમદાવાદ: અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં એક જ મિનિટમાં બે એમ્બ્યુલન્સ સિવિલ પરિસરમાં દર્દીઓ સાથે પહોંચી રહી છે.  અમદાવાદ સહિત રાજ્યભરમાં કોરોના સંક્રમણ નિરઅંકુશ છે.  છેલ્લા 24 કલાકમાં અમદાવાદ શહેરમાં 1500થી વધારે કેસ નોંધાયા છે. ત્યારે વધતા સંક્રમણને કારણે શહેરની ખાનગી અને સરકારી હોસ્પિટલો ફૂલ થવા લાગી છે. 


શહેરમાં સ્થિતિ ત્યા સુધીની ખરાબ છે કે સિવિલમાં દર્દીને ભરતી થવા માટે અંદાજે દોઢ કલાકનું વેઈટિંગ છે.  સિવિલ પ્રશાસને પાંચ હોસ્પિટલોમાં 2 હજાર 68 બેડ ઉભા કર્યા છે  જેમાંથી 1 હજાર 965 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે અને હવે માત્ર 97 બેડ જ હોસ્પિટલમાં ખાલી છે. 


અમદાવાદ શહેરમાં રવિવારે અત્યાર સુધીના સૌથી વધુ 1504 કેસ નોંધાયા છે. આ ઉપરાંત 19 લોકોના મોત થતા. સાથે જ અમદાવાદમાં અત્યાર સુધીમાં કુલ 2 હજાર 386 લોકોના કોરોનાથી મૃત્યુ થયા છે. શહેરના કોરોનાથી કુલ કેસનો આંક 78 હજાર 488 થયો છે.



એપ્રિલના 11 દિવસમાં જ અમદાવાદ શહેરમાં નવા 10 હજાર 79 કેસ આવ્યા છે અને 86 દર્દીને કોરોના ભરખી ગયો છે. અમદાવાદમાં પ્રથમવાર એક્ટિવ કેસનો આંક હવે ૬ હજારને પાર થઇ ગયો છે. ૩૧ માર્ચના અમદાવાદમાં ૨ હજાર ૧૧૬ એક્ટિવ કેસ હતા અને તે હવે વધીને ૬ હજાર ૮૧ થઇ ગયો છે.



અમદાવાદમાં એક્ટિવ કેસનો આંક ૬ હજારને પાર થયો હોય તેવું પ્રથમવાર બન્યું છે. સંક્રમણ વધતા અમદાવાદ શહેરોની હોસ્પિટલો ફૂલ થઈ ગઈ છે. તો ખાનગી હોસ્પિટલોના બીલ ચૂકવવા પોષાય એમ નથી. જેના કારણે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. સ્મશાનોમાં પણ અંતિમ સંસ્કાર માટે બે કલાકથી વધુનું વેઈટિંગ છે. જેના કારણે લોકોમાં ભારે ચિંતાનો માહોલ છે.


કેટલા લોકોએ લીધી રસી



વેક્સિનેસન (vaccinations) કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 80,55,986 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 10,67,733 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે.  આમ કુલ- 91,23,719 લોકોને રસીકરણના ડોઝ આપવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં રાજ્યમાં એક પણ વ્યક્તિને આ રસીના કારણે ગંભીર આડઅસર જોવા મળેલ નથી.