અમદાવાદઃ શહેરના નિકોલમાં જ્વેલર્સમાં રિવોલ્વર બતાવી 7 લાખની દાગીનાની લૂંટની સનસની મચાવનારી ઘટનામાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આરોપીઓની ઉત્તરપ્રદેશથી ધરપકડ કરી છે. તેમજ લૂંટેલો માલ પણ કબ્જે લીધો છે. આરોપીઓ લૂંટ પછી બાઇક અને સ્કૂટર પર ફરાર થઈ ગયા હતા. સીસીટીવી ફૂટેજ પરથી અને લૂંટની મોડેસ ઓપરેન્ડી પરથી ઉત્તરપ્રદેશની ગેંગ હોવાને લઇ પોલીસે તપાસ શરૂ કરી હતી અને તેના આધારે આરોપીઓની ધરપકડ કરી છે.



નિકોલમાં ઉમિયા સર્કલ પાસે આવેલા વિરલ જ્વેલર્સના માલિક પ્રકાશ મોદી રવિવારે રાતે દુકાનમાં હતા ત્યારે 4 લુટારુ હાથમાં બંદૂકો સાથે દુકાનમાં ઘૂસી આવી તેમને બંદૂકની અણીએ ડરાવી માર મારીને રોકડા રૂ.2.60 લાખ અને રૂ.3-4 લાખના સોના-ચાંદીના દાગીના લૂંટી લીધા હતા. 

તેમણે  પ્રતિકાર કરતાં લુટારુઓએ બંદૂક અને પાણીના જગ વડે માર માર્યો હતો. અન્ય એક વ્યક્તિ પણ આવતા એક લુટારુ દુકાનની બહાર નીકળી તેની સામે પણ ફાયરિંગ કર્યું હતું. ગત 3 જાન્યુઆરીના રોજ નિકોલમાં જવેલર્સની દુકાનમાં રિવોલ્વર બતાવી મારામારી કરી રૂ. 7 લાખના દાગીનાની લૂંટ કરનાર ગેંગની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઉત્તરપ્રદેશથી ધરપકડ કરી છે. આ અગાઉ આ લૂંટારાઓએ 2 જાન્યુઆરીએ ઠક્કરબાપા નગર પાસે 3 રાઉન્ડ ફાયરિંગ કરી વેપારીને લૂંટ્યો હતો.

2 જાન્યુઆરીએ શહેરના ઠક્કરબાપાનગર પાસે ધોળાદિવસે પાનમસાલાના વેપારીને ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરી 3 બુકાનીધારીઓ રૂ. 35 હજારની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા. આ અંગે કૃષ્ણનગર પોલીસે ગુનો દાખલ કરી આરોપીઓની શોધખોળ હાથ ધરી હતી. ઠક્કરબાપાનગર પાસે આવેલી ગાયત્રી ટ્રેડર્સ દુકાને પાન મસાલાના વેપારીને હથિયાર બતાવીને ત્રણ શખ્શો 35 હજારની લૂંટ કરી ફરાર થઈ ગયા હતાં. બાઈક પર આવેલા ત્રણ અજાણ્યા શખ્સોએ હિંદીમાં વાત કરી કે, તેરે પાસ જીતના ભી માલ હે વો સબ દે દે કહીને જમીન પર ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું.