અમદાવાદઃ નોટબંધીને લઇને કેંદ્ર સરકાર દ્વારા રોજ નવા નિયમો લાગુ કરવામાં આવે છે. ત્યારે રાજ્યમાં જિલ્લી સહકારી બેંકોમાં ખાતુ ધરાવતા લોકો માટે સારા સામાચાર છે. જિલ્લા સહકારી બેંકોમાં ખાતુ ધરાવતા લોકો પોતાના ખાતામાંથી 3 હાજર રૂપિયા ઉપાડી શકશે. સહકારી મંડળીઓના ઉપાડની મર્યાદામાં કોઇ વધારો કરવામાં નથી આવ્યો જેથી બેંકના ખાતેદારોના સંસ્થાઓની સ્થિતિમાં કોઇ ફરક પડશે નહી. RBI દ્વારા નાબાર્તડ માર્ફત ડિસ્ટ્રિક્ટ બેંકોને 21,000 કરોડ ની ફાળવણી કરાઇ છે.


ગુજરાત કો-ઓપરેટિવ બેન્ક એસોસિએશનના પ્રતિનિધિઓએ ગઇ કાલે આરબીઆઇની કચેરીમાં રજૂઆત કર્યા બાદ આરબીઆઇએ શહેરી સહકારી બેન્કોને બ્રાંચદીઠ રૂ.૧૦ લાખ ફાળવવા બાબતે તૈયારી દર્શાવી છે. આ નાણાં આજે બેન્કો સુધી પહોંચ્યાં છે. ૮ નવેમ્બર પછી ત્રીજી વાર આરબીઆઇએ બ્રાન્ચ દીઠ ૧૦ લાખ ફાળવ્યા છે, પરંતુ આ રકમ એક દિવસ પણ ચાલતી નહીં હોવાની બેન્કની ફરિયાદ છે.

બેન્કનાં આધારભૂત સૂત્રોના જણાવ્યા મુજબ સહકારી બેન્કોએ લીધેલી જૂની નોટોના નિકાલ માટે ગેરન્ટી સ્ક્રીમની કચેરીમાં બેન્ક ગેેરન્ટી બોન્ડ ભરવા પડશે અને તે માટે એપોઇન્ટમેન્ટ લેવી પડશે. શનિ-રવિની રજા હોઇ સોમવારથી ડિસ્ટ્રિકટ બેન્કોના રદ થયેલા સ્વીકારાયેલા જૂના ચલણને આરબીઆઇ ગેરન્ટી સ્ક્રીમ હેઠળ અમદાવાદ કચેરીમાં સ્વીકારશે, જેથી જૂની નોટોનો નિકાલ થવાનું શરૂ થશે.

આ અંગે સહકારખાતાના સંસદીય સચિવ બાબુભાઇ જમનાદાસ પટેલે જણાવ્યું હતું કે આરબીઆઇમાં ગઇ કાલે કો-ઓપ.બેન્કના આગેવાનોએ કરેલી રજૂઆતના પગલે રાજ્યની ડિસ્ટ્રિકટ બેન્કોમાં કેશ ગઇ કાલે સાંજે પહોંચી ગઇ છે. આજ સવારથી ખાતાધારકો માટે વિડ્રોઅલ શરૂ થઇ ગયું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે જિલ્લા મધ્યસ્થ બેન્કો ઉપર નોટબંધી બાદ આરબીઆઇ દ્વારા મુકાયેલાં કડક નિયંત્રણોના પગલે રાજ્યની ૧૮ ડિસ્ટ્રિકટ બેન્કના ચેરમેનો દ્વારા કરાયેલી રજૂઆતનું હજુ કોઇ પરિણામ આવ્યું નથી. નેશનલ ફેડરેશન ઓફ સ્ટેટ કો.ઓ. બેન્ક લિ.ના ચેરમેન દિલીપ સંઘાણીની આગેવાની હેઠળ તમામ સહકારી બેન્કના ચેરમેન દિલ્હી ખાતે વડા પ્રધાન મોદીને મળવા ગયા હતા, પરંતુ છેવટ સુધી તેમને મુલાકાત માટે સમય અપાયો ન હતો.