આણંદ જિલ્લાના નદીના તટમાં 14 લોકો ફસાયા હતા. મળતી જાણકારી અનુસાર, આણંદ જિલ્લાના ગજાણા ગામમાં ખેતી કામ કરવા ગયેલા 14 લોકો ફસાયા હતા. ગજાણામાં 14 ખેતમજૂરો પાણીના પ્રવાહમાં ફસાયા હતા. જેને કારણે તેમણે વીડિયો બનાવી મીડિયાના માધ્યમથી મદદ માટે બચાવવા માટે અપીલ કરી હતી.
ફસાયેલા લોકોએ મીડિયાના માધ્યમથી મદદની અપીલ કરી હતી. ફસાયેલા લોકો બચાવ ટીમની રાહ જોઇ રહ્યા છે. તે સિવાય કરજણના વ્યાસ બેટમાં ફસાયેલાઓ લોકોને બચાવવા માટે આર્મી એક્શનમાં આવી છે. આર્મીના જવાનોએ માછીમારોની બોટ લઈ વ્યાસ બેટ જવા રવાના થયા હતા. બોટની મદદથી વ્યાસ બેટ પર આર્મીની ટીમ પહોંચી છે.
વડોદરાના ડબકા સુલતાનપુરાના લાભાં વિસ્તારમાં ફસાયેલા પાંચ લોકોને બચાવી લેવામાં આવ્યા છે. પાંચ લોકોને બોટના માધ્યમથી બચાવવામાં આવ્યા છે. અન્ય ફસાયેલા લોકોને રેસ્કયુ કરવા માટે બોટ રવાના થઇ હતી.
આણંદ અને અંકલેશ્વરમાં કુલ 42 લોકો ફસાયા હતા. અંકલેશ્વરના તપોવન આશ્રમમાં 14, અંકલેશ્વરના મરઘાં કેન્દ્રમાં 15 લોકો ફસાયા હતા. રાજ્ય સરકારે ફસાયેલા લોકોનું રેસ્ક્યું કરવા કાર્યવાહી હાથ ધરી હતી. આણંદના ગજાણામાં ફસાયેલા લોકોને એરલિફ્ટ કરવામાં આવશે. કોસ્ટ ગાર્ડ ની મદદથી તમામ 13 લોકોને એરલિફ્ટ કરવા કામગીરી હાથ ધરાઇ હતી.
મળતી માહિતી પ્રમાણે, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પડી રહેલા ભારે વરસાદના કારણે નર્મદા નદી ઓવરફ્લૉ થઇ ગઇ છે. હવે નદીઓ અને વરસાદી પાણી આજુબાજુના ગામોમાં ઘૂસી રહ્યાં છે. ભરુચ જિલ્લાના શુક્લાતીર્થ નજીક આવેલા કડોદ ગામમાં વરસાદી પુરથી ખતરો પેદા થયો છે, કડોદમાં છેલ્લા બે દિવસથી પાણી ભરાયા છે અને અનેક પરિવારો પુરમાં ફસાયા છે.
અત્યારે કેટલાય પરિવારો ગામના ઉંચા મકાનોના ધાબા પર રહેવા મજબૂર બન્યા છે. છેલ્લા બે દિવસથી પુરની સ્થિતિ છે છતાં કોઇ મદદ કડોદમાં પહોંચી નથી. ગ્રામજનો દ્વારા એબીપી અસ્મિતાને રેસ્ક્યૂ કરવા અપીલ કરાઇ છે. પરિવારના નાના-નાનાં બાળકો પણ હોવાની માહિતી સામે આવી રહી છે.
ઓગસ્ટ મહિનાના વિરામ બાદ સપ્ટેમ્બર મહિનામાં મેઘરાજાનું ધમાકેદાર આગમન થયું છે. 24 કલાકમાં રાજ્યના 100 તાલુકાઓમાં 1થી 10 ઈંચ વરસાદ વરસ્યો છે અને હજુ પણ આગામી 4 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. તેમાં પણ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીમાં તો વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે.