Borsad News: બોરસદની સબજેલમાંથી ચાર કેદી ફરાર થઈ જતાં ચકચાર મચી ગઈ હતી. મોડી રાત્રે બેરેકના સળીયા નીચેનો લાકડાંનો ભાગ કાપી સળિયા ઊંચા કરી ચાર કેદી ફરાર થયા હતા. બેરેક બહાર ઓરડીના પતરાં પર ચઢી 20 ફૂટ ઊંચી દીવાલ કૂદી કેદી ફરાર થઈ ગયા હતા. એક હત્યાનો આરોપી, એક પ્રોહિબિશન અને બે બળાત્કારના આરોપી ફરાર થઈ જતાં જેલતંત્ર દોડતું થયું હતું. રાત્રીના બે વાગ્યાના સુમારે બેરેક નં 3 માંથી આ કેદીઓ ફરાર થયા હતા. જેલમાંથી કેદીઓ ફરાર થતાં પોલીસ તંત્રની કામગીરી પણ સવાલ ઉઠી રહ્યા છે.
નડિયાદ શહેરમાં અમદાવાદી બજાર વિસ્તારમાં આવેલા એક ઝૂંપડામાં છેલ્લા એક વર્ષથી ધમધમતા જુગારના અડ્ડા ઉપર સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડો પાડયો હતો. એસ.એમ.સી.ના દરોડામાં 15 જુગારીઓની અટક કરવામાં આવી હતી, જ્યારે આઠ આરોપીઓ વોન્ટેડ છે. જે તમામ 23 આરોપીઓ સામે નડિયાદ ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી મામલાની તપાસ નડિયાદ પશ્ચિમ પોલીસને સોંપવામાં આવી છે.
નડિયાદના અમદાવાદી દરવાજા બહાર ઉસ્માનભાઈની ચાલીના પાછળના ભાગે આવેલા ઝૂંપડામાં છેલ્લા એક વર્ષથી જુગારનો અડ્ડો ધમધમતો હતો. જેની માહિતી ગાંધીનગરની સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમને મળતાં બાતમીની ખરાઈ કર્યા બાદ ગુરૂવારે મોડી સાંજે દરોડો કરવામાં આવ્યો હતો. જેમાં જુગાર રમી રહેલા 15 શખ્સો ઝડપાઈ ગયા હતા, જ્યારે આઠ ઈસમોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. પોલીસે સ્થળ ઉપરથી રોકડા રૂ. 77,390, 12 મોબાઇલ તેમજ વાહનો મળી કુલ રૂ. 2,24,890 નો મુદ્દામાલ કબજે લીધો હતો.
ખેડા જિલ્લામાં સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા બાદ પણ જવાબદાર પોલીસ મથકના અધિકારી કે કર્મચારીઓ સામે કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી નથી. છેલ્લે કઠલાલ પોલીસ મથકના પી.આઈ.ધર્મેન્દ્ર રાઉલજીને સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા બાદ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. જોકે, ત્યાર પછી ચકલાસી પોલીસના હદ વિસ્તારમાં તેમજ નડિયાદમાં એસ.એમ.સી.નો દરોડો થયો હોવા છતાં કોઈ અધિકારી કે કર્મચારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી નથી. ગુરૂવારે મોડી સાંજે સ્ટેટ મોનિટરિંગ સેલે જ્યાં દરોડો પાડયો તે અમદાવાદી દરવાજા બહારના ઝૂંપડામાં પણ છેલ્લા એક વર્ષથી જુગારનો અડ્ડો ધમધમતો હોવાછતાં નડિયાદ ટાઉન પોલીસ કે એલસીબી દ્વારા કાર્યવાહી કરવામાં આવી ન હોવાથી પોલીસની રહેમનજર હેઠળ જ જુગારધામ ધમધમતું હોવાનો આક્ષેપ લોકો કરી રહ્યા છે. છેલ્લા લાંબા સમયથી નડિયાદ ટાઉન પોલીસ મથકના અધિકારી અને કર્મચારીઓની કામગીરીને લઈને ફરિયાદો ઉઠી રહી છે. ત્યારે પોલીસ માત્ર દેખાડા પૂરતા કેસ કરીને કામગીરી કર્યાનો ઓન પેપર પુરાવો આપી દેતી હોવાના આક્ષેપો ઉઠયા છે. હાલમાં આ મામલાની તપાસ તટસ્થ રીતે કરીને જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.