Heart Attack News: રાજ્યમાં હાર્ટ એટેકનું પ્રમાણ વધી રહ્યું છે. કોરોના બાદ હાર્ટ એટેક આવવાના બનાવો ચોંકાવનારી રીતે વધી રહ્યા છે. જો કે મેડિકલ સાયન્સ કે આરોગ્ય વિભાગ હાર્ટ એટેક વધવાને અને કોરોના સાથે સાંકળતું નથી તેમ છતાં એ હકિકત છે કે કોરોના કાળ પછી હૃદય સંબંધી બીમારીઓ પણ વધી છે. આ દરમિયાન આજે આણંદના ખંભાતમાં હાર્ટ એટેકની ઘટના બની છે.


ખંભાત શહેર પોલીસના એ એસ આઈનું હાર્ટએટેકથી મોત થયું છે. એએસઆઈ મનુભાઈ કલ્યાણભાઈનું 50 વર્ષની ઉંમરે હાર્ટએટેકથી મોત થયું છે. જેને પગલે પોલીસ વિભાગમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.  


રાજ્યમાં દર સાત મિનિટે એક વ્યક્તિ બની રહ્યો છે હૃદયરોગનો ભોગ


108 ઇમરજન્સીના આંકડા મુજબ, રાજ્યમાં દર સાત મિનિટે એક વ્યક્તિ હૃદયરોગનો ભોગ બની રહ્યો છે.  વર્ષ 2023માં રાજ્યમાં હૃદયરોગના કુલ મળીને 72573 કેસો નોંધાયા હતાં. ચિંતાની વાત એછેકે, અમદાવાદ જેવી મેટ્રોસિટીમાં હૃદયરોગના કેસો વધી રહ્યા છે. ગુજરાતમાં હૃદયરોગીઓ વધી રહ્યા છે. હાલ યુવાનો હાર્ટએકેટનો ભોગ બની રહ્યા છે ત્યારે એવા ચોંકાવનારા આંકડા સામે આવ્યા છેકે, ગુજરાતમાં કેસોની દ્રષ્ટિએ અમદાવાદમાં સૌથી વધુ હૃદયરોગના કેસો નોઁધાયા છે. વર્ષ 2023માં અમદાવાદમાં કુલ 21,496 હૃદયરોગના કેસો નોંધાયા છે. અમદાવાદમાં હૃદયરોગના દર્દીઓમાં 28 ટકાનો વધારો જોવા મળ્યો છે. આ તરફ, સુરતમાં 5408, રાજકોટમાં 4910, ભાવનગરમાં 3739 અને વડોદરામાં 3618 કેસો નોંધાયા છે. ટકાવારી દ્રષ્ટિએ જોઇએ તો, સુરતમાં 31 ટકા, રાજકોટમાં  42 ટકા, ભાવનગરમાં 21 ટકા અને વડોદરામાં 28 ટકાનો વધારો જોવા મળ્યો છે.









એકસપર્ટનું કહેવું છે કે, લોકોની જીવનશૈલી બદલાઇ છે. આ ઉપરાંત ફાસ્ટફુડનું ચલણ વધ્યુ છે.  સાથે સાથે માનસિક તણાવ સાથેની લાઇફસ્ટાઇલ પણ વધતા હૃદયરોગ માટે જવાબદાર પરિબળ છે. યુવાનો હાર્ટએકેટનો ભોગ બની રહ્યા છે ત્યારે હવે લોકોમાં હૃદય ચેકઅપને લઇને જાગૃતિ વધી છે. લોકો સામે ચાલીને નિયમિત ચેકઅપ કરાવતા થયા છે. ડોક્ટરોની સલાહ લેતા થયા છે જે એક સારી નિશાની છે.


108 ઇમરજન્સીમાં હૃદયરોગને લઈ કયા વર્ષમાં કેટલા કોલ આવ્યા


108 ઇમરજન્સીમાં વર્ષ 2017માં હૃદયરોગને લઇને 52,453 કોલ્સ આવ્યા હતાં. જયારે વર્ષ 2018માં કોલ્સ વધીને 53,700 થયા હતાં. વર્ષ 2019માં 63,628 કેસો, વર્ષ 2020માં 44,797, વર્ષ 2021માં 42,555 અને વર્ષ 2022માં 56,777 કોલ્સ આવ્યા હતાં. વર્ષ 2023માં હૃદયરોગ સબંધિત બિમારીને લઇને કુલ મળીને 72,573 કોલ્સ આવ્યા હતાં. આમ, ગુજરાતમાં હૃદયરોગની બિમારીમાં વધારો થઇ રહ્યો છે.