Bhavnagar News: ભાવનગરમાં પાલીતાણા તાલુકાના નવા લોહીચડા ગામે જૂથ અથડામણના સમાચાર સામે આવ્યા છે. ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લેવા જઈ રહ્યા હતા એ દરમિયાન ઝઘડો કરવા આવેલ ટોળું હથિયારો સાથે તૂટી પડ્યું હતું. આ જૂથ અથડામણમાં સમજાવવા માટે વચ્ચે આવેલા મામા અને એમના પરિવાર ઉપર હુમલો કર્યો હતો. બંને પક્ષે 10થી વધુ લોકોને ઈજા પહોંચી છે. જો કે ઝઘડાનું કારણ હજી સુધી બહાર આવ્યું નથી. હાલ તો પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


આ પહેલા પણ ભાવનગરમાં જૂથ અથડામણની ઘટના ઘટી હતી, થોડા દિવસ પહેલા શહેરમાં બે જૂથો વચ્ચે જોરદાર મારામારીની ઘટના ઘટી હતી, હથિયારો લઇને સામ સામે આવેલા બે જૂથોના હૂમલામાં 15થી વધુ લોકો ઘાયલ થયા હતા, આ મામલે પોલીસે તપાસ હાથ ધરી છે. 


મળતી માહિતી પ્રમાણે, થોડા દિવસ પહેલા ભાવનગર શહેરમાં આડોડીયા વાસ દીપક ચોકમાં ેક જોરદાર જૂથ અથડામણની ઘટના ઘટી હતી. અહીં જુગાર રમવાની વાતને લઇને ઝઘડો થયો હતો, ગેરકાયદે પ્રવૃત્તિ સાથે જુગાર રમવાની ના પાડતા મામલો બીચક્યો હતો અને બાદમાં મારામારી થઇ હતી. આ મામલો વધુ ઉગ્ર બનતાં બન્ને જૂથો હથિયારો લઇને આવી ગયા અને આમને સામને મારામારી કરવા લાગ્યા હતા. આ  જૂથ અથડામણની ઘટનામાં 15થી વધુ લોકો ઘાયલ થયા હતા. જોકે, પોલીસ ઘટના સ્થળે આવી જતા મામલો થાળે પડ્યો હતો, તમામ ઇજાગ્રસ્તોને 108 દ્વારા ભાવનગર સિવિલ હૉસ્પીટલમાં ખસેડવામાં આવ્યો હતો. હાલ તંગ વાતાવરણને થાળે પાડવા માટે પોલીસનો મોટા પાયે કાફલો ખડકી દેવામાં આવ્યો છે.


હાલમાં જૂથ અથડામણની ઘટનાઓ ઘણી વધી ગઈ છે. આ પહેલા પાટણના બાલીસણા ગામે મોડી રાત્રે બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી. બે અલગ અલગ કોમના લોકો સામ સામે આવી જતા આ જૂથ અથડામણ થઈ હતી. સોશ્યલ મીડિયામાં થોડા દિવસ અગાઉ પોસ્ટ મુકવા બાબતનું મનદુઃખ રાખી આ ઘર્ષણ થયાના સમાચાર છે. આ જૂથ અથડામણમાં બન્ને જૂથના 6 થી વધુ લોકો ઘાયલ થયાં છે. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ધારપુર તેમજ સિવિલ હોસ્પિટલ પાટણ ખાતે ખસેડવામાં આવ્યા છે.



જૂથ અથડામણના થતા SP સહીત lCB તેમજ SOG સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. ઘટનાને પગલે ગામમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. જૂથ અથડામણમાં બન્ને પક્ષએ સામ સામે ફરિયાદ નોંધાવી છે. આ મામલે અત્યાર સુધીમાં બન્ને પક્ષના 12 લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.