Bhavnagar : ભાવનગર જિલ્લા ભાજપ આયોજિત હર ઘર તિરંગા કાર્યક્રમમાં આજે ઘોઘા તાલુકાના કોંગ્રેસના અગ્રણી સંજયસિંહ ગોહિલ (માલપર) સહિતના કોંગ્રેસના કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા, જો કે જે પ્રમાણે જાહેરાત થઈ હતી કે એક હજાર કરતાં વધુ કાર્યકર્તાઓ ભાજપમાં જોડાવાના છે પરંતુ નજીવા કાર્યકર્તાઓ સાથે તેઓએ કેસરિયો ધારણ કર્યો હતો.
જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય માહોલ જામી રહ્યો છે અને એક બીજી પાર્ટી એકબીજાના આગેવાનોને કે કાર્યકર્તાઓને તેમના પક્ષમાં ખેંચવાના પ્રયાસો કરી રહ્યા છે, ત્યારે આ અદલા- બદલીનો ખેલ ચાલુ થઇ ગયો છે. આજે 4 ઓગષ્ટે ભાવનગર જિલ્લા પ્રભારી મંત્રી કિરીટસિંહ રાણાની ઉપસ્થિતિમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા.
ભાવનગર જિલ્લા ભાજપ દ્વારા આજે ભાવનગરના ઝવેરચંદ મેઘાણી ઓડીટોરીયમ હોલ ખાતે ભાવનગર ભાવનગર મંત્રી કિરીટસિંહ રાણાની ઉપસ્થિતિમાં હર ઘર તિરંગા અભિયાન અંગેનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જે કાર્યક્રમમાં રાજ્યકક્ષાના મંત્રી આરસી મકવાણા તેમજ ભારતીય જનતા પાર્ટીના ભાવનગર શહેર અને જિલ્લાના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમ દરમિયાન છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસથી નારાજ રહેલા અને બે દિવસ પહેલા કોંગ્રેસના તમામ હોદ્દા પરથી રાજીનામું આપનાર ઘોઘા પંથકના સંજયસિંહ ગોહિલ (માલપર) તેમજ તેમની સાથે ઘોઘા કોંગ્રેસના ના કાર્યકર્તાઓ, પૂર્વ સરપંચો આજે વિધિવત રીતે ભારતીય જનતા પાર્ટી નો ખેસ ધારણ કરી અને ભાજપમાં જોડાયા હતા.
જોકે કાર્યક્રમ પૂર્વે સંજયસિંહ માલપર દ્વારા મસમોટી જાહેરાત કરવામાં આવી હતી કે 1000 કરતા વધુ કાર્યકર્તાઓ તેમની સાથે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઇ રહ્યા છે, પરંતુ આ કાર્યક્રમમાં 150 જેટલા કાર્યકર્તાઓએ જ ભારતીય જનતા પાર્ટી નો ખેસ ધારણ કર્યો હતો.