Bhavnagar: ગરીબોની કસ્તુરી ગણાતી ભાવનગરની ડુંગળી ખેડૂતોને રડાવી રહી છે. મહા મહેનતે વાવેલી કસ્તુરીનાં ખેડૂતોને હરાજી દરમિયાન મજાક સમાન માત્ર 80 રૂપિયા ભાવ મળી રહ્યા છે. રાજ્યનું 45% ડુંગળીનું વાવેતર માત્ર ભાવનગરમાં જ થાય છે, આ સ્થિતિમાં ખેડૂતોની સરકાર જો ખડૂતોની વેદના નહીં સમજે તો ખેડૂત પાયમાલ બનશે અને ના છૂટકે ખેતીથી વિમુખ થશે તે નક્કી છે.

ખેડૂતે મળી રહ્યા છે નહીંવત ભાવ


ખેડૂતોની સરકાર હોવાની વાત કરતી સરકાર ખેડૂતોને રડાવી રહી છે. ભાવનગર જિલ્લામાં સૌથી વધુ વાવેતર ડુંગળીનું થતું હોય છે ભાવનગરની ડુંગળી સમગ્ર દેશમાં વખણાય છે સૌથી સારી કોલેટીની ડુંગળી ભાવનગરમાં ઉત્પાદન થાય છે. આ સાથે જ રાજ્યના 45% ડુંગળીનો વાવેતર માત્ર ભાવનગરમાં જ થાય છે પરંતુ હાલ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની પુષ્કળ પ્રમાણમાં આવક શરૂ છે જેની સામે ખેડૂતને મજાક સમાન નહિવત ભાવ મળી રહ્યા છે

ભાવનગરમાં કેટલું થાય છે ડુંગળીનું વાવેતર


ભાવનગર જિલ્લાની વાત કરવામાં આવે તો જિલ્લામાં 31,178 હેક્ટરમાં ડુંગળીનું વાવેતર થાય છે. જેની સામે જિલ્લાની ડુંગળી અન્ય રાજ્યમાં પણ બહુળા પ્રમાણમાં નિકાસ થાય છે. અન્ય રાજ્યની વાત કરવામાં આવે તો મધ્યપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, પંજાબ, હરિયાણા, દિલ્હી સહિતના રાજ્યમાં ભાવનગરની કસ્તુરી નો નિકાસ થતો હોય છે. બીજી બાજુ ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળવા જોઈએ તે મળી રહ્યા નથી. જેના કારણે ખેડૂત પાયમાલ થઈ રહ્યો છે. એક વીઘા દીઠ ખેડૂતોને 20,000 હજારથી 25000 હજાર ઉત્પાદન ખર્ચ થતો હોય છે. બિયારણ, મજૂરી, બારદાન અને ટ્રાન્સપોર્ટેશન ખર્ચ થતો હોય છે પરંતુ તેની સામે ખેડૂતોને હાલ માર્કેટિંગ યાર્ડમાં 80 રૂપિયાથી લઈ 200 એક મણના મળી રહ્યા છે, જેના કારણે ખેડૂત વધુ આર્થિક દેવામાં સપડાઈ રહ્યો છે.



ખેડૂતોને મોટું નુકસાન


ખેડૂતોને ભાવ પૂરતા નહીં મળવાનું કારણ મોંઘા દાટ બિયારણો તેમજ ઉત્પાદન દરમિયાન ખર્ચની સામે સરકાર તરફથી પૂરતો ટેકાનો ભાવ મળતો નહીં હોવાના કારણે નુકસાની થઈ રહી છે. સૌરાષ્ટ્રનું સૌથી મોટું યાર્ડ ભાવનગરના મહુવામાં છે આ સાથે જ દરેક તાલુકા માંથી હરાજી માટે ખેડૂત યાર્ડમાં સૌથી મોટી આશા લઈને આવતો હોય છે પરંતુ હરાજી દરમિયાન ખેડૂતોને મજાક સમાન ભાવ મળી રહ્યા હોવાથી ખેડૂતોનું ભરણપોષણ પણ મુશ્કેલીમાં મુકાયું છે. રાજ્ય સરકાર દ્વારા ડુંગળીના ભાવમાં વધારો કરવામાં નહીં આવે તો ખેડૂત ફરી એક વખત ઉગ્ર આંદોલનના માર્ગે ઉતરશે તેવી ભીતી સેવાઈ રહી છે. ખેડૂતોનું હરાજી દરમિયાન માત્ર શોષણ થઈ રહ્યું છે તેની સામે વેપારીઓ સસ્તા ભાવે ડુંગળી ની ખરીદી કરી અન્ય રાજ્યમાં સારા એવા ભાવથી વહેંચીને પૈસા કમાઈ રહ્યા છે જ્યારે ખેડૂત ની હાલત દિવસેને દિવસે કફોડી બની રહી છે