Bhavnagar: ભાવનગર યાર્ડ સત્તાધીશોએ આજે યાર્ડમાં ડુંગળીની હરાજી બંધ રાખવાની જાહેરાત કરી છે. 18 ફેબ્રુઆરીના ડુંગળીની નિકાસ પરનો પ્રતિબંધ હટાવાયાના અહેવાલો પ્રસિદ્ધ થયા બાદ સરકાર તરફથી હજુ સુધી સત્તાવાર નોટિફિકેશન જાહેર કરાયું નથી. ત્યારે વેપારીઓ અને ખેડૂતો પણ નિકાસના પગલે ભાવ મુદ્દે અસમંજસમાં હોવાથી ભાવનગર યાર્ડમાં આજે ડુંગળીની હરાજી બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. 18 ફેબ્રુઆરીના ડુંગળીની નિકાસ પરનો પ્રતિબંધ હટાવાયાના અહેવાલો પ્રસિદ્ધ થયા બાદ સરકાર તરફથી હજુ સુધી સત્તાવાર નોટિફિકેશન જાહેર કરાયું નથી.


ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ હટાવાયાની વાત તદ્દન ખોટી


ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ હટાવાયાની વાત તદ્દન ખોટી છે. આ સ્પષ્ટતા કેન્દ્ર સરકારના ગ્રાહક સુરક્ષા બાબતોના સચિવ રોહિતકુમાર સિંહે કરી હતી. ગ્રાહક સુરક્ષા બાબતના સચિવે સ્પષ્ટ કહ્યું કે ડુંગળીની નિકાસ પર લાદેલો પ્રતિબંધ યથાવત છે તેના સ્ટેટ્સમાં કોઈ ફેરફાર કરાયો નથી. એટલે કે 31 માર્ચ 2024 સુધી ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ યથાવત છે.


સ્થાનિક ગ્રાહકોને યોગ્ય ભાવે ડુંગળી ઉપલબ્ધ થાય તે સુનિશ્ચિત કરવાની સરકારની પ્રથમ પ્રાથમિકતા છે. અગાઉ ડુંગળીની નિકાસ પર લગાવેલ પ્રતિબંધ 31 માર્ચ-2024 સુધી યથાવત્ રહેશે. સરકાર ડુંગળીની કિંમતને કાબુમાં લેવા તેમજ સ્થાનિકોને સરળતાથી ઉપલબ્ધ થાય તે હેતુથી પ્રયાસો કરી રહી છે. ડુંગળીનું ઉત્પાદન ઘટતા તેમજ કિંમતો વધતા સરકારે ગત 8મી ડિસેમ્બરથી ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ લાદી દીધો છે. આ પ્રતિબંધ 31 માર્ચ 2024 સુધી અમલમાં રહેશે. ડિસેમ્બરમાં ડુંગળીનો છૂટક ભાવ પ્રતિ કિલોગ્રામ 100 રૂપિયા હતી ત્યારબાદ નિકાસ પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો. સરકારે છૂટક ભાવ ઘટાડવા માટે સ્થાનિક બજારોમાં સ્ટોક વધે તેવા ઉદ્દેશથી આ પ્રતિબંધ લાદ્યો હતો. સરકારના બફર સ્ટોકમાંથી પ્રતિ કિલોગ્રામ  25 રૂપિયાના ભાવે ડુંગળી વેચવામાં આવી હતી.


સૌરાષ્ટ્રમાં ખરીફ ડુંગળીનું આ વર્ષે બમ્પર ઉત્પાદન થયું હતું.  ખેડૂતોને અત્યાર સુધી સરેરાશ એક મણ ડુંગળીના 100 રૂપિયાથી લઈ અને 250 રૂપિયા મળ્યા છે. ખેડુતોનું કહેવું છે કે બિયારણ,રાસાયણિક જંતુનાશક દવા,મજૂરી,ડીઝલ સહિત તમામ વસ્તુના ભાવ દર વર્ષે વધે છે. ખેડૂતોને એક મણ ડુંગળીના સરેરાશ 600 થી 700 રૂપિયા મળે તો ખેડૂતોની પાછળ કંઈક વધે.