Bhavnagar : ભાવનગરની  સર ટી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ ભગવાન ભરોસે સારવાર લઇ રહ્યા છે, મેડિકલ એજ્યુકેશનની ગ્રાન્ટમાંથી 18 વર્ષ પહેલા બનેલ સાત માળનું બિલ્ડીંગ અત્યંત જર્જરિત બની ગયું છે.  સર ટી સિવિલ  હોસ્પિટલમાં હજારો દર્દીઓ દરરોજ સારવાર લેવા માટે આવતા હોય છે. સાત માળના  બિલ્ડીંગના પાંચમાં માળને ભયજનક ઘોષિત કરી, ખાલી કરાવી દર્દીઓને અન્ય વોર્ડમાં શિફ્ટ કરવામાં આવ્યા છે.  રીપેરીંગના પણ નામે ચાર વર્ષ વર્ષ જેટલો સમય પસાર થઈ ગયો છે


18 વર્ષ પહેલા બન્યું હતું બિલ્ડીંગ 
ભાવનગર સર.ટી હોસ્પિટલના પરિસરમાં 18 વર્ષ પૂર્વે બનેલ નવા  બિલ્ડીંગમાં ઓ.પી.ડી સહિત અનેક વિભાગો આવેલા છે. જેમાં દરરોજ દર્દીઓ અને તેના સગા સંબંઘી સહિત હજારો લોકોની આવન જાવન થાય છે.


બિલ્ડીંગ ભયજનક સ્થિતિમાં હોવાનો રિપોર્ટ બે વર્ષ પહેલાં આવ્યો હતો હોસ્પિટલનું બિલ્ડીંગ ઉતારી લેવા માટે સુચન કરેલ પરંતુ આજદિન સુધી હોસ્પિટલ જર્જરિત હાલતમાં ધમધમી રહી છે, હોસ્પિટલના પરિસરમાં અનેક વખત ગાબડા પડી ગયા હોવાનો બનાવ બની ચૂક્યા છે. ભૂતકાળમાં ખુદ જર્જરિત હોસ્પિટલ બાબતે ડેપ્યુટી સી.એમ પણ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. 


 દર્દીઓ જીવના જોખમે સારવાર માટે મજબૂર
2004માં આર.એન.બી વિભાગ દ્વારા હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવ્યું હતું, ભાવનગર જિલ્લાના દર્દીઓને સુવિધાયુક્ત સારી સારવાર મળી રહે તે પ્રકારે હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવ્યું હતું પરંતુ દુઃખની વાત એ છે કે માત્ર થોડા જ વર્ષોમાં હોસ્પિટલની તમામ કોલમો તેમજ હોસ્પિટલ પૂરી રીતે ડૅમેજ થઈને તિરાડો પડી ગઇ છે.  બોટાદ, અમરેલી, ઉના સહિતના જિલ્લાઓમાં થી ભાવનગર સિવિલ હોસ્પિટલ ખાતે દર્દીઓ સારવાર લેવા આવતા હોય છે, જોકે હાલ નવી બિલ્ડીંગના પાંચમાં માળને ભય જનક ઘોષિત કરીને સૂચના લગાવી દેવામાં આવી છે તેમ છતાં પણ દર્દીઓ જીવના જોખમે આંખની સારવાર કરાવવા માટે મજબૂર બન્યા છે.  


સર્વેના ત્રણ વર્ષ બાદ પણ સમારકામ શરૂ નથી થયું 
હોસ્પિટલની ચર્ચિત હાલતને લઈ અગાઉ આર.એન.બી વિભાગ દ્વારા સર્વે હાથ ધરવામાં આવ્યો હતો જેમાં હોસ્પિટલનાં કોલમ તેમજ છત પરની સ્ટક્ચરની હાલત ખરાબ હોવાની પણ વાત સામે આવી હતું આજે એ વાતને ત્રણ વર્ષના વાણા વિતી ગયા છતાં પણ કોઇ નક્કર કાર્યવાહી કે રીપેરીંગ હાથ ધરવામાં આવ્યું નથી.  સૌથી મોટો સવાલ એ થાય છે કે શું કોઈ મોટી દુર્ઘટના બનશે ત્યારબાદ સરકાર એક્શનમાં આવી કાર્યવાહી હાથ ધરશે કે સમયસૂચકતા દાખવી રીપેરીંગનું કામ જલ્દીથી હાથ ધરાશે?