Bhavnagar: ભાવનગર મહાનગરપાલિકા દ્વારા 8 વર્ષ પહેલા પાંચ ગામોનો સમાવેશ કરવામાં આવ્યો હતો પરંતુ જેની 11 પ્રાથમિક શાળાઓનો આજ દિન સુધી સમાવેશ કરવામાં આવ્યો નથી. જેના કારણે 5000 વિદ્યાર્થીઓ દહીં દૂધ જેવી પરિસ્થિતિમાં મુકાયા છે. જો મ.ન.પા દ્વારા આ શાળાનો સમાવેશ કરી લેવામાં આવે તો શાળામાં પૂરતી સુવિધા મળે. અક્ષયપાત્ર ભોજન વિદ્યાર્થીઓને મળી શકે અને શાળાને વેગવંતી બનાવવા માટે વિકાસના કાર્યો પણ ઝડપી થઈ શકે તેમ છે પરંતુ શિક્ષણ વિભાગની એપ્રુવલની રાહે 11 પ્રાથમિક શાળા અધવચ્ચે જોલા ખાઈ રહી છે.


ભાવનગર મહાનગરપાલિકાની હદમાં આવતા નજીકના પાંચ ગામોને 2015માં સમાવેશ કરવામાં આવ્યો હતો. જેમાં એ સમયે જિલ્લા પંચાયત હસ્તકની હતી તેવી નારી કેન્દ્રવતી શાળા, નારી કન્યાશાળા, નારી જગદીશ સ્વર આનંદ પ્રાથમિક શાળા, અધેવાડા પ્રાથમિક શાળા, વરતેજ ઇન્દિરા નગર પ્રાથમિક શાળા, સીદસર કેન્દ્રવતી શાળા, અકવાડા કેન્દ્રવતી શાળા, અકવાડા જત વિસ્તારમાં આવતી પ્રાથમિક શાળા, તરસમનીયા પ્રાથમિક શાળા, તરસમીયા ઘનશ્યામ નગર વિસ્તારમાં આવેલી પ્રાથમિક શાળા અને રૂવા પ્રાથમિક શાળાને મહાનગરપાલિકામાં સમાવેશ કરવા માટે આઠ વર્ષથી માંગ થઈ રહી છે. જોકે તમામ પાંચ ગામો મહાનગરપાલિકામાં પડી ગયા પરંતુ તેની 11 પ્રાથમિક શાળા આજદિન સુધી મહાનગરપાલિકામાં સમાવેશ કરી લેવામાં આવ્યો નથી. જેના કારણે મહાનગરપાલિકામાં જે પ્રમાણે વિકાસના કામો સરકારી શાળામાં થતા હોય છે તે આ શાળાઓમાં થઈ રહ્યા નથી જેના કારણે કહી શકાય કે આ શાળાનો વિકાસ રૂંધાઇ રહ્યો છે


ભાવનગર મહાનગરપાલિકામાં નવા સીમાંકન પ્રમાણે નારી ગામ, સિદસર, રૂવા ગામ, તરસમિયા અને અકવાડા એમ પાંચ ગામોનો સમાવેશ કરવામાં આવ્યો હતો પરંતુ આ ગામમાં આવેલી પ્રાથમિક શાળા હજી પણ ભાવનગર જિલ્લા શિક્ષણ વિભાગ હસ્તક હોવાથી પાંચે ગામની 11 પ્રાથમિક શાળા વિકાસથી વંચિત છે. જેના કારણે વિકાસના થતા કામો અટવાયા છે. જો મહાનગરપાલિકામાં સમાવેશ કરવામાં આવે તો વિદ્યાર્થ ને પોષણયુક્ત અક્ષયપાત્ર પૌષ્ટિક ભોજન મળી રહે સાથે જ મહાનગરપાલિકામાં સમાવેશ થતા વિકાસના કામોમાં શાળાને વેગ મળે. પરંતુ કહી શકાય કે ખાનગીકરણને ભાવનગરમાં વધારે પ્રાધાન્ય અપાઈ રહ્યું છે જ્યારે જે સરકારી પ્રાથમિક શાળાઓ અધ વચ્ચે લટકી રહી છે તેમની આ શાસક પક્ષ કે ભાજપની સરકાર આઠ વર્ષથી દરકાર પણ લઈ રહ્યું નથી.


ભાવનગર પાસે 10 વર્ષ સુધી શિક્ષણનું કેબિનેટ અને રાજ્ય કક્ષાનું ખાતું રહ્યું છે છતાં પણ ભાવનગર શિક્ષણ ક્ષેત્રે પ્રગતિ થવી જોઈએ તે નથી થઈ રહી જેનું કારણ ઈચ્છા શક્તિ ના અભાવે પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીનો ડ્રોપ આઉટ રેશિયો ચિંતાજનક રીતે ઘટી રહ્યો છે. બીજી તરફ મહાનગરપાલિકામાં 11 પ્રાથમિક શાળા 8 વર્ષથી માત્ર રાજ્ય કક્ષાના શિક્ષણ વિભાગ હસ્તકની મંજૂરીના પાકે અધ વચ્ચે લટકાઈ છે જેના કારણે પાંચ હજાર કરતાં પણ વધારે વિદ્યાર્થીઓ દહીં દૂધમાં મુકાયા છે. વાલીઓની પણ માંગ ઉઠી છે કે મહાનગરપાલિકામાં ગામોને સમાવેશ કરી દીધો પરંતુ પ્રાથમિક શાળાઓનો સમાવેશ કેમ કરવામાં આવી રહ્યો નથી તે પણ સૌથી મોટો સવાલ આવીને ઊભો રહ્યો છે.