ભાવનગરના પાલીતાણાનું મોટી પાણીયારી ગામને સૈનિકોની ખાણ ગણવામાં આવે છે. અહીં એક સૈનિક નિવૃત્ત થાય કે તરત જ બીજો સૈનિક માતૃભૂમિની રક્ષા માટે તૈયાર થઈ જાય છે. હાલમાં ગામના 100થી વધુ યુવાનો આર્મી, નેવી તેમજ એરફોર્સમાં ફરજ બજાવીને દેશની સીમાડાઓની સુરક્ષા કરી રહ્યા છે.

પાણીયારી ગામના બાળકોને શૂરવીરતા અને દેશભક્તિના સંસ્કાર પારણામાંથી જ મળે છે. જેથી દેશ માટે સમર્પિત થવા ગામનો દરેક યુવાન બાળપણથી તત્પર રહે છે. હાલમાં પણ ગામના 50થી વધુ યુવાનોને સેનામાં ભરતી થવા માટે ટ્રેનિંગ આપવામાં આવી રહી છે.

પરીક્ષાની તૈયારી માટે મહેનત કરવાની હોય કે પછી દોડ લાગવીને હરીફાઈ કરવાની હોય. આ ગામના યુવાનોએ ક્યારેય પાછું વળીને જોયું નથી. ફોજની ભરતીમાં સૌથી આગળ એવા આ યુવાનોનું ઘડતર અને તેમના જુસ્સાને સૌ સલામ કરે છે.