Bhavnagar : ભાવનગરના સિહોરમાં ફિલ્ટર પ્લાન્ટ શોભાના ગાંઠિયા સમાન બની ગયો છે.  છેલ્લા દસ વર્ષમાં દોઢ કરોડના ખર્ચે બનાવવામાં આવેલ ફિલ્ટર પ્લાન્ટની હાલત અત્યંત જર્જરિત બની ગઈ અને દોઢ કરોડ રૂપિયા પણ પાણીની જેમ વેડફાઈ ગયા છે.  ફિલ્ટર પ્લાન્ટ બન્યો હોવા છતાં સિહોરની 80 હજારની વસ્તીને ફિલ્ટર પાણી માટે વલખા મારવા પડે એવી સ્થિતિ બની છે, જ્યારે ફિલ્ટર પ્લાન્ટનું નિર્માણ કરવામાં આવ્યું હતું ત્યારે જ તેના નબળા બાંધકામને લઈ અનેક આક્ષેપો થયા હતા, જે સમયાંતરે કંઈકને કંઈક અંશે સાચા સાબિત થઈ રહ્યાં છે. 


પ્લાન્ટ બન્યાં બાદ જ ફોલ્ટમાં
સિહોર નગરપાલિકા દ્વારા શહેરમાં જે કાંઈ વિકાસના કામો થાય છે તેમાં કૌભાંડ અને ભ્રષ્ટાચારની વાતો અને આક્ષેપો વર્ષોથી થાય છે, આવી જ એક ઘટના સામે આવી છે જેમાં સિહોરના નગરજનોને ફિલ્ટર પાણી પૂરું પાડવા માટે દોઢ કરોડના ખર્ચે ફિલ્ટર પ્લાન્ટનું દસ વર્ષ પહેલા બાંધકામ કરવામાં આવ્યું હતું. આ બાંધકામ થયા બાદ બે-ત્રણ વાર ફિલ્ટર પ્લાન્ટને શરૂ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો પરંતુ પાણી લીકેજ થવા સહિતના કારણોસર ફિટર પ્લાન્ટને જેમનો તેમ મૂકી દેવામાં આવતા આજે 10 વર્ષ બાદ ફિલ્ટર પ્લાન્ટની હાલત ખંડેર જેવી બની ગઈ છે, લાખો રૂપિયાના ખર્ચે વિકસાવેલા મશીનરો પણ ધૂળ ખાઇ રહ્યાં છે. 


દુષિત પાણી આપી રહી છે  સિહોર નગરપાલિકા
સિહોર વોટરવર્કસ વિભાગ દ્વારા બનાવવામાં આવેલ ફિલ્ટર પ્લાન્ટનું નિર્માણ તો કરી દેવામાં આવ્યું પરંતુ તેનો લાભ શિહોરના નગરજનોને મળી શક્યો નહીં, હાલ સમગ્ર ફિલ્ટર પ્લાન્ટનું  મેનેજમેન્ટથી લઇ પાણીનું વિતરણ સિહોર નગરપાલિકા કરી રહી છે. જે જગ્યાએ પ્લાન્ટ ખંડેર હાલતમાં બની ગયો છે ત્યાં જ નગરપાલિકા દ્વારા મહી પરીએજ અને તળાવનું ખુલ્લું દૂષિત પાણી લઈને તેમા ક્લોરીન મેળવી પીવાના પાણીનું વિતરણ કરી રહી છે, જેનો દર મહિને નગરપાલિકા લાખો રૂપિયાનું ચુકવણું કરી રહી છે.


પ્રજાના પૈસાનો કેવી રીતે વેડફાટ કરવો તે સિહોર નગરપાલિકા ઉત્તમ રીતે જાણતી હોય તેવું લાગી રહ્યું છે, જે હેતુથી ફિલ્ટર પ્લાન્ટનું નિર્માણ કરવામાં આવ્યું હતું એ હેતુ આજે પણ સાર્થક થયો નથી. 14 MLD વાળો પ્લાન્ટ વર્ષોની એની એ જ સ્થિતિમાં રહેતા એકદમ ખંડેર અને જર્જરીત બની ગયો છે. 


પ્લાન્ટ શરૂ કરતાં જ અનેક જગ્યાએ લીકેજ 
12માં નાણાં પંચમાં સિહોર નગરપાલિકામાં 14 MLDના ભવ્ય પ્લાન્ટનું નબળું બાંધકામ કરી દેવામાં આવ્યું અને મોટા ઉપાડે ધારાસભ્ય કેશુભાઈ નાકરાણી દ્વારા આ પ્લાન્ટનું ઓપનિંગ પણ કરવામાં આવ્યું હતું પરંતુ ત્યારબાદ આ પ્લાન્ટને શરૂ કરવામાં આવતા અનેક જગ્યાએથી લીકેજ થયો હતો અને ફરી પાછો લાખો રૂપિયાના ખર્ચે થિંગડા મરાવ્યાં હતા. 


જો કે નબળા બાંધકામને લઈ એ સમયે કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ પણ કરવામાં આવ્યો હતો અને તપાસ કરાવવાની માંગ પણ ઉઠી હતી, પરંતુ સરકારી અધિકારી અને કોન્ટ્રાક્ટર નેતાઓની મિલીભગતના કારણે ફિલ્ટર પ્લાન્ટ શોકેસની માફક બનાવીને મૂકી દેવામાં આવ્યો છે જેનો કોઈ ઉપયોગ કરવામાં આવી રહ્યો નથી. 


શું કહ્યું નગરપાલિકાના ચીફ ઓફિસરે? 
આ અંગે ચીફ ઓફિસરને પૂછતા તેમને બચાવ કરતા ગોળ-ગોળ વાત કરી પાણી પૂરતું ન મળવાનાં કારણે  બંધ હોવાની વાત જણાવી હતી ત્યારે સૌથી મોટો સવાલ એ છે કે જ્યારે કરોડો રૂપિયાના ખર્ચે કોઈ પ્લાન્ટનું નિર્માણ કરવામાં આવે છે એ પહેલા કોઈ મેનેજમેન્ટ કે આગવું આયોજન કરવામાં આવતું નથી એ વાત સત્ય સાબિત થાય છે.