Vallabhipur  : વલ્લભીપુર તાલુકા પંચાયત કચેરીમાં TDO ચેમ્બરમાં તાલુકા ભાજપના પ્રમુખ પદુભા ગોહિલે ટીડીઓ અને સરપંચની હાજરીમાં મહિલા કર્મચારીનું ગળું દબાવી બોલાચાલી કરી હોવાનો ગંભીર આક્ષેપો થયા છે.  ત્યારબાદ  વલ્લભીપુર  પોલીસ મથકમાં ભાજપના પદુભા ગોહીલ વિરોધ નીલમબેન કાજીએ ફરિયાદ નોંધાવી હતી, આ ઘટના બનતા રાજકારણમાં ચકચાર મચી જવા પામી છે, સમગ્ર મામલો વધુ ઉગ્ર બનતા નીલમબેન કાજી રજૂઆત કરવા માટે ભાવનગર જિલ્લાના પંચાયત ખાતે દોડી આવ્યા હતા જોકે તાલુકા ભાજપ પ્રમુખ સમગ્ર આક્ષેપો પાયાવિહોણા જણાવ્યા છે. 


ભાવનગર જિલ્લાના વલભીપુર તાલુકા પંચાયતમાં ટીડીઓની ચેમ્બરમાં અધિકારી મદદનીશ એન્જિનિયરને તાલુકા ભાજપના પ્રમુખે ગળુ દબાવી બોલાચાલી કરી હોવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે. વલ્લભીપુર ટીડીઓની ચેમ્બરમાં જુના રતનપર ગામના પાણીનું કામ રદ્દ કરવા બાબતે તાલુકા ભાજપના પ્રમુખ ટીડીઓની ચેમ્બરમાં ગયા હતા ત્યારે આ કામ રદ્દ  કરવા બાબતે મહિલા કર્મચારી નીલમબેન કાઝીને ચેમ્બરમાં બોલાવ્યા હતા.


આ  દરમિયાન મહિલા કર્મચારીએ કામ રદ્દ કરવા માટે નિયમો સહિતની વાત કરી હતી તે સમયે બોલાચાલી વધુ ઉગ્ર બનતા તાલુકા ભાજપના પ્રમુખ પદુભા ગોહિલે ચેમ્બરની અંદર જ મહિલા કર્મચારીનું ગળુ દબાવ્યું હોય તેવા ગંભીર આક્ષેપો સાથે વલભીપુર પોલીસ મથકમાં આઈપીસીની કલમ મુજબ મહિલા કર્મચારીએ ગુનો દાખલ કરાવ્યો છે. 


સમગ્ર મામલે તાલુકા ભાજપના પ્રમુખ પદુભા ગોહિલે જણાવ્યું હતું કે તેમના ઉપર જે આક્ષેપો લગાવવામાં આવ્યા છે તે સંપૂર્ણપણે પાયાવિહોણા છે.  રામપર ગામના કામ માટે નવ લાખ રૂપિયા મંજુર થયા છે. અગાઉની ગ્રાન્ટ રદ્દ કરવા માટે ટીડીઓને રજૂઆત કરવા માટે યુવા મોરચા સાથે ચેમ્બરમાં પહોંચ્યા હતા. એ સમય દરમિયાન મહિલા કર્મચારીને ઝઘડો કરવો હતો એટલા માટે તેઓ ચેમ્બરમાં આવી પહોંચ્યા હતા. સાથે જ તાલુકા ભાજપના પ્રમુખે એવો પણ આક્ષેપ કર્યો હતો કે મહિલા કર્મચારી જ્યારે ઘોઘા તાલુકામાં ફરજ બજાવતા હતા ત્યારે પણ તેમના પર ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો થયા છે, ત્યારે જોવાનું રહ્યું કે પોલીસ તપાસમાં શું તથ્ય સામે આવે છે.