2016માં નોટબંધી બાદ પ્રથમ વખત 2000 રૂપિયાની નોટ રજૂ કરવામાં આવી હતી. કાળા નાણાં પર નિયંત્રણ લગાવવા માટે 500 અને 1000 રૂપિયાની નોટ અચાનક બંધ કર્યા બાદ 2000 રૂપિયાની નોટ ચલણમાં લાવવામાં આવી હતી. જોકે, તેને લઈને ટીકા પણ થઈ. જાણકારોનું કહેવું છે કે, વધારે મૂલ્યની આ નોટથી ફરી એક વખત કાળા નાણાંને પ્રોત્સાહન મળશે. ઉપરાંત 2000 રૂપિયાની નોટના છુટ્ટા કરાવવામાં પણ મુશ્કેલી થાય છે.
આરબીઆઈએ આરટીઆઈના જવાબમાં કહ્યું કે, નાણાંકીય વર્ષ 2016-17માં 2000 રૂપિયાની 354.29 કરોડ નોટ છાપવામાં આવી, જ્યારે 2017-18માં 11.15 કરોડની નોટ છાપવામાં આવી. 2018-19માં આ સંખ્યા ઘટીને 4.66 કરોડ રહી ગઈ. ચાલુ નાણાંકીય વર્ષમાં એક પણ નોટ છાપવામાં આવી નથી.
વિતેલા વર્ષ દરમિયાન 2000 રૂપિયાની નોટનું ચલણ ઘણું ઘટી ગયું. 2018-19માં ચલણમાં રહેલ 2000 રૂપિયાની નોટની સંખ્યા 7.2 કરોડનો ઘટાડો નોંધાયો. વિતેલા નાણાંકીય વર્ષમાં નવી 2000ની કરન્સીની સંખ્યા 336 કરોડથી ઘટીને 329 કરોડ પીસ રહી ગઈ. જ્યારે 500 રૂપિયાની નોટની સંખ્યા નાણાંકીય વર્ષ 2017-18ના 1546 કરોડની સામે 2018-19માં વધીને 2151 કરોડ પીસ હતી.