નવી દિલ્હીઃ લોકડાઉન દરમિયાન વિવિધ રાજ્યમાં ફસાયેલા શ્રમિકોને તેમના ગૃહ રાજ્ય સુધી પહોંચાડવા માટે સ્પશિયલ શ્રમિક ટ્રેન રેલવે તંત્ર દ્વારા દોડાવવામાં આવી રહી છે. 25 મે સુધીમાં 3,274 શ્રમિક સ્પેશિયલ ટ્રેન દ્વારા 44 લાખ પેસેન્જર્સને તેમના ગૃહ રાજ્ય પહોંચાડવામાં આવ્યા છે. 25 મેના રોજ 223 શ્રમિક સ્પેશિયલ ટ્રેન દ્વારા 2.8 લાખ મુસાફરોનું પરિવહન કરવામાં આવ્યું હોવાનું ભારતીય રેલવેએ જણાવ્યું છે.



ટોચના પાંચ રાજ્યો-કેન્દ્ર શાસિત પ્રદેશમાંથી મહત્તમ ટ્રેનો દોડાવવામાં આવી છે તેમાં ગુજરાત (897), મહારાષ્ટ્ર (590), પંજાબ (358), ઉત્તરપ્રદેશ (232) અને દિલ્હી (200) સામેલ છે. જે પાંચ રાજ્યોમાંથી સૌથી વધારે ટ્રેન રદ્દ કરવામાં આવી તેમાં ઉત્તરપ્રદેશ (1428), બિહાર (1178), ઝારખંડ (164), ઓઢિશા (128) અને મધ્યપ્રદેશ (120) સામેલ છે. શ્રમિક સ્પેશિયલ ટ્રેન મુખ્યત્વે પ્રવાસી મજૂરોને તેમના ગૃહ રાજ્યમાં મોકલવા ઈચ્છતા રાજ્યોની વિનંતી પર દોડાવવામાં આવે છે.

ભારતીય રેલવે ટ્રેન ચલાવવાના કુલ ખર્ચમાંથી 85 ટકા ખર્ચ ઉઠાવી રહ્યું છે. જ્યારે 15 ટકા ભાડુ રાજ્યો દ્વારા વસૂલવામાં આવ્યું છે. કોરોના વાયરસના કારણે લાગુ કરવામાં આવેલા લોકડાઉનથી લાખો પ્રવાસી મજૂરોની રોજગારી છીનવાઈ ગઈ છે અને તેના કારણે ઘણા શ્રમિકો પગપાળા જવા મજબૂર બન્યા હતા.